કલ્યાણમાં ઇમારત દુર્ઘટના: ચોથા માળે અનધિકૃત કામ જવાબદાર, ફ્લેટના માલિકની ધરપકડ

મુંબઈ: કલ્યાણ વિસ્તારમાં બે વર્ષની બાળકી સહિત છ જણનો ભોગ લેનારી ઇમારત દુર્ઘટના માટે ચોથા માળે આવેલા ફ્લેટમાં ચાલતું અનધિકૃત કામ જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને ફ્લેટના માલિકની ધરપકડ કરી હતી.
કલ્યાણ પૂર્વના ચિકણીપાડામાં આવેલી ચાર માળની સપ્તશ્રૃંગી ઇમારતના ચોથા માળના ફ્લેટમાં ફ્લોરિંગનું કામ ચાલી રહ્યું હતું. મંગળવારે બપોરે ચોથા માળનો સ્લેબ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પરના ઘર પર તૂટી પડ્યો હતો, જેમાં બે વર્ષની બાળકી સહિત છ જણનાં મોત થયાં હતાં, જ્યારે છ જણ ઇજા પામ્યા હતા.
આ દુર્ઘટના બાદ મંગળવારે મોડી રાતે ફ્લેટ નંબર-401ના માલિક કૃષ્ણા લાલચંદ ચૌરસિયા (40)ની ધરપકડ કરવામાં આવી હતી. તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 (સદોષ મનુષ્યવધ), 125 (અન્યોના જાનમાલને જોખમમાં મૂકવું) ઉપરાંત મહારાષ્ટ્ર રિજનલ એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટ, 1966ની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરાયો હતો, એમ કોલસેવાડી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગણેશ નાયડેએ કહ્યું હતું.
ચૌરસિયાએ પ્રશાસન પાસેથી પરવાનગી લીધા વિના ફ્લોરિંગનું કામ અનધિકૃત રીતે શરૂ કર્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું.
દરમિયાન ઇમારતનો સ્લેબ તૂટી પડ્યા બાદ બાકી ઇમારત પણ વસાહત માટે સુરક્ષિત ન હોવાથી તેને પણ તોડી પાડવામાં આવી છે, એમ કલ્યાણના સબ-ડિવિઝનલ ઓફિસર વિશ્ર્વાસ ગુજરે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મંગળવારે બપોરે ઇમારતનો ચોથા માળનો સ્લેબ તૂટીને ગ્રાઉન્ડ ફ્લોટ પર પડતાં લોકો કાટમાળ હેઠળ દબાઇ ગયા હતા. આ દુર્ઘટનામાં નમસ્વી શ્રીકાંત શેલાર (2), સુનીતા સાહુ (38), પ્રમિલા ગુજર (56), વ્યંકટ ચવ્હાણ (42), સુશિલા ગુજર (78) અને સુજાતા મનોજ વપાડી (38)નાં મોત થયાં હતાં.