આમચી મુંબઈ

કલ્યાણ સ્ટેશન પરથી અપહરણ કરાયેલા આઠ મહિનાના બાળકનો છ કલાકમાં કરાયો છુટકારો…

યોગેશ ડી. પટેલ

થાણે: કલ્યાણ રેલવે સ્ટેશન પરથી અપહરણ કરાયેલા આઠ મહિનાના બાળકનો છ કલાકમાં છુટકારો કરાવીને પોલીસે બે જણની ધરપકડ કરી હતી.

કલ્યાણ રેલવે સ્ટેશન પર સોમવારે રાતના નીલેશ અને પૂનમ કુંચે તેના આઠ મહિનાના પુત્ર સાથે સૂતાં હતાં ત્યારે મધરાતે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.

થોડા સમય બાદ જાગી ગયેલા નીલેશ અને પૂનમને તેમનો પુત્ર નજરે ન પડતાં તેમણે તેની શોધ ચલાવી હતી. જોકે બાળકનો કોઇ પત્તો ન લાગતાં તેમણે કલ્યાણ રેલવે પોલીસનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાન પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતાં તેમાં યુવક બાળકને લઇ જતો નજરે પડ્યો હતો. રેલવે પોલીસે એ ફૂટેજ સોશિયલ મીડિયા તથા પોલીસ દળના વ્હૉટ્સઍપ ગ્રૂપ પર સર્ક્યુલેટ કર્યું હતું.

મહાત્મા ફૂલે પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સતીષ સોનાવણેએ એ ફૂટેજ પરથી યુવકને ઓળખી કાઢ્યો હતો, જેને તે આગલી રાતે મારામારી બદલ પોલીસ સ્ટેશનમાં લઇ આવ્યો હતો.

પોલીસ ત્યાર બાદ યુવકનું સરનામું મેળવીને તેના ઘરે પહોચી હતી અને ત્યાંથી બાળકનો છુટકારો કરાવાયો હતો. યુવકની ઓળખ અક્ષય ખરે તરીકે થઇ હોઇ તેને ગુનામાં મદદ કરવા બદલ તેની કાકી સવિતા ખરેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button