આમચી મુંબઈ

કલવામાં પિસ્તોલ અને ચાકુની ધાકે 13 લાખની રોકડ લૂંટનારા પકડાયા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે
: કલવામાં નિર્જન સ્થળે રિક્ષાને આંતરી પિસ્તોલ અને ચાકુની ધાકે 13 લાખ રૂપિયાની લૂંટ ચલાવનારી ટોળકીના ત્રણ સભ્યને પોલીસે પકડી પાડ્યા હતા. 100થી વધુ સ્થળના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી પોલીસ મુખ્ય આરોપી સુધી પહોંચી હતી.

કલવા પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ ફૈઝાનઅલી અબ્દુલ સત્તાર અન્સારી (41), વિવેક વિલાસ વાઘમોડે (22) અને મયૂર રાજેન્દ્ર પાટીલ (22) તરીકે થઈ હતી. તેમની પાસેથી 5.25 લાખ રૂપિયા અને બે બાઈક જપ્ત કરવામાં આવી હતી.
ઝોન-1ના ડેપ્યુટી પોલીસ કમિશનર એસ. એસ. બુરસેએ જણાવ્યું હતું કે ઘટના 12 એપ્રિલે કલવામાં આર. એમ. સી. પ્લાન્ટ નજીક બની હતી. ભિવંડી-નાશિક રોડ ખાતે રહેતો ફરિયાદી રિયાઝ ઈબ્રાહિમ પઠાણ (51) રિક્ષામાં ભિવંડીથી વાશી જઈ રહ્યો હતો ત્યારે બે બાઈક પર ચાર યુવાને તેનો પીછો કર્યો હતો.

રિક્ષા કલવાના નિર્જન પરિસરમાં પહોંચી ત્યારે બાઈકસવારોએ રિક્ષાને આંતરી હતી. પઠાણને પિસ્તોલ અને ચાકુની ધાક બતાવી તેની પાસેની રોકડ લૂંટી આરોપી ફરાર થઈ ગયા હતા. આ પ્રકરણે પઠાણે કલવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 13 લાખની રોકડ લૂંટાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

પોલીસે રિક્ષા જે માર્ગ પરથી પસાર થઈ હતી ત્યાંના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. રિક્ષાનો પીછો કરનારા બાઈકસવારો ફૂટેજમાં નજરે પડ્યા હતા. બાદમાં 100થી વધુ કૅમેરાનાં ફૂટેજ અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસ ભિવંડીના બાલા કમ્પાઉન્ડ ખાતે રહેતા આરોપી અન્સારી સુધી પહોંચી હતી. અન્સારીએ આપેલી માહિતી પરથી તેના બે સાથીની ધરપકડ કરાઈ હતી. આ કેસમાં બે આરોપી ફરાર હોવાથી પોલીસ તેમની શોધ ચલાવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button