કાલાચોકીમાં ધોળેદહાડે ચાકુના ઘા ઝીંકી ભૂતપૂર્વ પ્રેમિકાની હત્યા કર્યા બાદ યુવકે પોતાનું ગળું ચીર્યું...
આમચી મુંબઈ

કાલાચોકીમાં ધોળેદહાડે ચાકુના ઘા ઝીંકી ભૂતપૂર્વ પ્રેમિકાની હત્યા કર્યા બાદ યુવકે પોતાનું ગળું ચીર્યું…

મૃતકે થોડા દિવસ પહેલા આરોપી સાથે સંબંધ તોડી નાખ્યા હતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: કાલાચોકી વિસ્તારમાં ધોળેદહાડે ચાકુના ઘા ઝીંકીને ભૂતપૂર્વ પ્રેમિકાની હત્યા કર્યા બાદ 24 વર્ષના યુવકે પોતાનું ગળું ચીરી નાખ્યું હોવાની ઘટના બની હતી. પ્રેમિકાના અન્ય યુવક સાથે સંબંધ હોવાની આરોપીને શંકા હતી, જેને કારણે બંને જણ વચ્ચે ઝઘડા થતા હોવાથી તેણે આરોપી સાથે સંબંધ તોડી નાખ્યા હતા. પોલીસે આ પ્રકરણે મૃત આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ કાલાચોકી વિસ્તારમાં દત્તારામ લાડ માર્ગ પર શુક્રવારે સવારે 11 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. મૃતકોની ઓળખ મનીષા યાદવ (24) અને સોનુ બરાઇ (24) તરીકે થઇ હતી. બંને જણ કાલાચોકીના આંબેવાડી ખાતે રહેતાં હતાં અને બંને વચ્ચે પ્રેમસંબંધ હતો.

દરમિયાન મનીષાના અન્ય યુવક સાથે સંબંધ હોવાની સોનુ બરાઇને શંકા હતી, જેને કારણે બંને વચ્ચે ઝઘડા થતા હતા. આથી મનીષાએ 10 દિવસ અગાઉ સોનુ સાથે સંબંધ તોડી નાખ્યા હતા. શુક્રવારે સવારેના સોનુએ મનીષાને કૉલ કરીને મળવા માટે બોલાવી હતી. સોનુ ઘરેથી ચાકુ લઇને નીકળ્યો હતો.

બંને જણ મળ્યા બાદ તેઓ દત્તારામ લાડ માર્ગ પરથી ચિંચપોકલી રેલવે સ્ટેશન તરફ જતા માર્ગ પર ચાલતા જઇ રહ્યાં હતાં ત્યારે સોનુએ ચાકુ કાઢીને મનીષા પર ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. મનીષા બચવા માટે ત્યાંથી ભાગી હતી અને નજીકના નર્સિંગ હોમમાં પ્રવેશી હતી. સોનુ પણ તેની પાછળ ત્યાં પહોંચ્યો હતો. અધવચ્ચે નાગરિકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેણે તેમને ચાકુ દાખવી ધમકાવ્યા હતા.

સોનુએ નર્સિંગ હોમમાં પ્રવેશીને મનીષા પર ફરી ચાકુથી હુમલો કર્યો હતો. એ સમયે ત્યાં એકઠા થયેલા લોકોમાંથી કોઇએ સોનુ પર પથ્થર ફેંક્યો હતો અને બાદમાં તેને લાકડીથી મારવાનું શરૂ કર્યું હતું. સોનુને ખ્યાલ આવી ગયો હતો કે તે અહીંથી છટકી નહીં શકશે. આથી તેણે ચાકુથી પોતાનું ગળું ચીરી નાખતાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતું.

દરમિયાન ફરજ પર હાજર ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને લોકોની મદદથી લોહીલુહાણ હાલતમાં મનીષાને હોસ્પિટલ લઇ ગયો હતો, જ્યાં મનીષાનું પણ મૃત્યુ થયું હતું. મનીષા અને સોનુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ તેમને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. આ ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં લોકો યુવતીને હુમલાખોરથી બચાવવાનો પ્રયાસ કરતા, જ્યાર અન્ય કેટલાક લોકો આરોપીને લાકડીથી મારતા અને તેના પર પથ્થર ફેંકતા નજરે પડે છે.

Haresh Kankuwala

મુંબઈ-સિટી-ડેસ્ક એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારથી જ કારકિર્દીની શરૂઆત થઇ અને છેલ્લા બે દાયકાથી તેની સાથે સંકળાયેલો છું. મુંબઈમાં બનેલી વિવિધ ઘટનાઓના કવરેજમાં સહયોગ આપ્યો છે. લાંબા સમયથી સિટી ન્યૂઝની ઇન્ચાર્જશિપ સંભાળી છે. More »

સંબંધિત લેખો

Back to top button