જુનિયર કૉલેજની પરવાનગી મેળવી આપવાને નામે,શૈક્ષણિક સંસ્થા સાથે 10.60 લાખની છેતરપિંડી
થાણે: બે સ્કૂલમાં જુનિયર કૉલેજ શરૂ કરવાની સરકાર પાસે પરવાનગી મેળવી આપવાને બહાને થાણે જિલ્લાની શૈક્ષણિક સંસ્થા સાથે 10 લાખથી વધુ રૂપિયાની કથિત છેતરપિંડી કરવામાં આવી હતી.
માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ડોમ્બિવલીમાં આવેલી શૈક્ષણિક સંસ્થા દ્વારા બે શાળા ચલાવવામાં આવે છે, જેમાંથી એક ડોમ્બિવલીના સાગાંવ અને બીજી દીવામાં છે. આ શાળાઓ 10મા ધોરણ સુધી ભણાવે છે અને તે જુનિયર કૉલેજ (11મું અને 12મું ધોરણ) શરૂ કરવા માગે છે. આ માટે સ્ટેટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં અરજી કરવામાં આવી હતી.
શૈક્ષણિક સંસ્થા આ પ્રક્રિયાને સારી રીતે પાર પાડવામાં મદદ કરી શકે એવી વ્યક્તિની શોધમાં હતી. સરકાર પાસેથી પરવાનગી મેળવી આપવાની ખાતરી ધનજી જાનરાવે આપી હતી અને આ કામ માટે તેણે 16 લાખ રૂપિયા માગ્યા હતા. માર્ચ, 2021થી જૂન, 2022 દરમિયાન આરોપીને 10.62 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
જોકે રૂપિયા લીધા પછી આરોપી ઉડાઉ જવાબ આપવા લાગ્યો હતો. આખરે શૈક્ષણિક સંસ્થાના એક ટ્રસ્ટીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે માનપાડા પોલીસે એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)