કસ્ટમ્સના ક્લિયરિંગ એજન્ટના સ્વાંગમાં જૂહુના બિઝનેસમેન સાથે 1.26 કરોડની છેતરપિંડી
મુંબઈ: કસ્ટમ્સના ક્લિયરિંગ એજન્ટના સ્વાંગમાં લક્ઝુરિયસ કાર, બાઈક અને મોંઘા ફોન સસ્તી કિંમતે વેચવાને બહાને જૂહુના બિઝનેસમૅન પાસેથી 1.26 કરોડ રૂપિયા પડાવવા બદલ પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
ઈમ્પોર્ટ-એક્સ્પોર્ટનો વ્યવસાય ધરાવતા ધીરજ લાખાણી (44)ની ફરિયાદને આધારે સહાર પોલીસે અરિસ્ટિડ ફર્નાન્ડિસ અને તેની પત્ની સફિરા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરિયાદ અનુસાર 2021માં લાખાણી લોખંડવાલા કોમ્પ્લેક્સમાં રહેતો હતો ત્યારે એ જ બિલ્ડિંગમાં રહેતા આરોપી ફર્નાન્ડિસ સાથે તેની ઓળખાણ થઈ હતી. તે સમયે ફર્નાન્ડિસે પોતાની ઓળખ કસ્ટમ્સના ક્લિયરિંગ એજન્ટ તરીકે આપી હતી. બાદમાં ફૅમિલી ફંક્શન કે અન્ય કોઈ પણ કાર્યક્રમમાં ફર્નાન્ડિસનો પરિવાર લાખાણીના ઘરે આવતો હતો.
આ પણ વાંચો : મુંબઈના અંધેરી ઈસ્ટમાં ગોખલે બ્રિજ પર કારમાં આગમાં રાખ થઇ, જુઓ વીડિયો
દિવાળી વખતે મળેલા ફર્નાન્ડિસે કસ્ટમ્સ દ્વારા આઈફોન, મેકબૂક, સેમસંગના મોંઘા ફોન, લૅપટોપનું લિલામ થવાનું હોવાથી આ ગેઝેટ્સ બજારભાવ કરતાં અડધી કિંમતે અપાવવાની લાલચ બતાવી હતી. અમુક વસ્તુઓ ખરીદવા માટે ફરિયાદીએ આરોપીને નાણાં ચૂકવ્યાં હતાં.
ત્યાર બાદ જાન્યુઆરી, 2022માં આરોપીની પત્ની સફિરાએ તેમનો પરિવાર લોખંડવાલા પરિસરમાં જ બીજા ફ્લૅટમાં રહેવા જઈ રહ્યો હોવાની જાણ ફરિયાદીને કરી હતી. તે સમયે આરોપીએ લક્ઝુરિયસ કારની લાલચ બતાવી ફરિયાદીને લિલામ સંદર્ભેનો ઈ-મેઈલ પણ મોકલાવ્યો હતો.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે આ રીતે વિવિધ લાલચો બતાવી આરોપીએ 2021થી 2022 દરમિયાન 1.26 કરોડ રૂપિયા પડાવ્યા હતા. રૂપિયાના બદલામાં આરોપીએ કોઈ વસ્તુ પૂરી પાડી નહોતી. આરોપીએ આપેલા દસ્તાવેજોની ફરિયાદીએ ચકાસણી કરતાં તે બોગસ હોવાનું જણાયું હતું. પોતે છેતરાયો હોવાની જાણ થતાં બિઝનેસમૅને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.