જુહુના દરિયામાં એક યુવક તણાઈ ગયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જુહુ બીચ પર શુક્રવારે વહેલી સવારે બે યુવકો દરિયામાં તરવા ગયા હતા એ સમયે પાણીમાં તણાઈ ગયા હતા, તેમાંથી એકને બચાવી લેવાયો હતો તો બીજાનો મોડી સાંજ સુધી શોધખોળ બાદ પણ કોઈ પત્તો લાગ્યો નહોતો.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ જુહુમાં સિલ્વર બીચ પર ગોદરેજ ગેટ પાસે વહેલી સવારના ૮.૩૦ વાગે આ બનાવ બન્યો હતો, જેમાં બે યુવકો દરિયામાં ૨૦૦ મીટર સુધી અંદર ગયા હતા. એ સમયે તેઓ મોજા સાથે અંદર તણાઈ ગયા હતા. લાઈફ ગાર્ડ અને મુંબઈ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેમની શોધ ચાલુ કરી હતી.
આપણ વાંચો: બિહારમાં સાત બાળકો તણાઈ ગયા, પાંચના મૃતદેહ મળ્યા
પોલીસના જણાવ્યા મુજબ તેમાંથી ૨૨ વર્ષના રાજકુમાર ગોવિંદ સુબાને લાઈફગાર્ડ જીતેન્દ્ર ટાંડેલે ફાયરબ્રિગેડ આવે તે અગાઉ જ બચાવી લીધો હતો અને બીજાને શોધી કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
બપોરના ૧.૪૬ વાગ્યાથી દરિયામાં ભરતી હોવાથી રેસ્ક્યુ ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતુ. દરિયામાં અંદર તણાઈ ગયેલા ૨૦ વર્ષના વિઘ્નેશ દેવેન્દ્રનો મોડી સાંજ સુધી કોઈ પત્તો લાગ્યો નહોતો.