આમચી મુંબઈ

વિધાનસભ્યોની અપાત્રતાનો ચુકાદો 2024માં જ આવશે!!

બુધવારે જાહેર કરવામાં આવેલા સુનાવણીના કાર્યક્રમ પરથી મળ્યો અંદાજ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના રાજકારણના સૌથી મહત્ત્વના મનાતા વિધાનસભ્યોની અપાત્રતાની સુનાવણી અંગેની પિટિશન પર ચુકાદો આ વર્ષે આવવાની કોઈ શક્યતા જણાતી નથી, આ નિર્ણય 2024ના જાન્યુઆરી મહિનામાં જ આવશે એવું સુનાવણી માટેનો જે કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે તેના પરથી જણાઈ રહ્યું છે.

શિવસેનાના વિધાનસભ્યોની અપાત્રતા અંગેની અનેક પિટિશનોની સુનાવણી તાકીદે કરવા માટે સુપ્રીમ કોર્ટે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને નિર્દેશ આપ્યા અને એક અઠવાડિયામાં અપાત્રતા પિટિશનની સુનાવણીનો કાર્યક્રમ રજૂ કરવા પણ જણાવ્યું હતું. જેને પગલે રાહુલ નાર્વેકરે જે સુનાવણીનો કાર્યક્રમ તૈયાર કર્યો છે તેને જોતાં હવે 2024 પહેલાં વિધાનસભ્યોની અપાત્રતા પિટિશનનો ચુકાદો આવે એવી શક્યતા જણાતી નથી.

સત્તાવાર રીતે રાહુલ નાર્વેકરે સુનાવણીની આખી પ્રક્રિયા જાહેર કરી નહોતી, પરંતુ ઉદ્ધવ ઠાકરે જૂથના વકીલ અસીમ સરોદેએ જાહેર કરેલા સુનાવણીના કાર્યક્રમ મુજબ છઠી ઓક્ટોબર-2023ના રોજ મૂળ પિટિશનર શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથે 23 સપ્ટેમ્બરે દાખલ કરેલી વધારાની એફિડેવીટ પર એકનાથ શિંદે જૂથના વકીલ તેમનો જવાબ/નિવેદન દાખલ કરશે.

13 ઑક્ટોબરે અપાત્રતા અંગેની બધી જ પિટિશનની સુનાવણી એકસાથે થવી જોઈએ એવી માગણી કરતી શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી પર 23 સપ્ટેમ્બરે કરેલી વધારાની દલીલો અને દસ્તાવેજો રેકોર્ડ લાવવા માટેની અરજી પર બંને પક્ષ પોતાની લેખિતમાં રજૂઆત કરશે. ત્યારબાદ આના પર સામસામી દલીલો થશે.

13 ઑક્ટોબરથી 20 ઑક્ટોબર દરમિયાન અપાત્રતા બાબતની સુનાવણી અંગે વિધાનસભા સચિવાલય દાખલ કરેલા દસ્તાવેજાની આદેશની ચકાસણી કરવામાં આવશે. બંને પક્ષોના વકીલોને દસ્તાવેજો શોધવા માટેની તક આપવામાં આવશે.

(આ સમયગાળો ફક્ત સત્તાવાર દસ્તાવેજોની ચકાસણી માટે અનામત રહેશે)
20મી ઑક્ટોબરે અપાત્રતા પિટિશનની સુનાવણી એકસાથે કરવા માટેની ઉદ્ધવ ઠાકરે જૂથની સુનાવણીની વધારાની દલીલો કરવામાં આવશે અને દસ્તાવેજો રેકોર્ડ પર લાવવાની માગણી કરનારી અરજી પર અધ્યક્ષ રાહુલ નાર્વેકર પોતાનો ચુકાદો જાહેર કરશે.

27મી ઑક્ટોબરે દાખલ કરવામાં આવેલા દસ્તાવવેજોમાંથી ક્યા દસ્તાવેજોને રેકોર્ડ પર લેવા અને ક્યા દસ્તાવેજો નકારી કાઢવા તેના પર બંને પક્ષો દ્વારા પોતપોતાની રજૂઆત કરવામાં આવશે. (એટલે કે આ દિવસે બીજું કોઈ કામકાજ થશે નહીં, ફક્ત લેખિત રજૂઆત કરવા માટેની કચેરી સંબંધી કામ થશે)
છઠી નવેમ્બરના રોજ અપાત્રતા અંગેની અરજીનો ચુકાદો આપતી વખતે ક્યા ક્યા મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ તેના પર બંને પક્ષે પોતાની લેખિત રજૂઆત કરવાની રહેસે અને એકબીજાને તેની નકલો આપવાની રહેશે.

10 નવેમ્બરે અપાત્રતાની પિટિશન પર નિર્ણય લેવા માટે ક્યા મુદ્દા વિચારમાં લેવા જોઈએ તે અંગે રાહુલ નાર્વેકર બંને પક્ષની દલીલો સાંભળશે.

20 નવેમ્બરે પ્રાથમિખ તપાસ કરવા માટે બંને પક્ષે તેમના સાક્ષીદારોની યાદી અને સોગંદનામા દાખલ કરવાના રહેશે. (આનો અર્થ આ દિવસે ફક્ત દસ્તાવેજી પ્રક્રિયા પૂરી કરવા સિવાય કોઈ કામ થશે નહીં.

23મી નવેમ્બરથી ઉલટ તપાસ (ક્રોસ એક્ઝામિનેશન)ની શરૂઆત કરવામાં આવશે અને આવશ્યકતા પડશે તેમ અને બંને પક્ષના વકીલોની સગવડને આધારે તારીખો આપવામાં આવશે. શક્ય હશે તે પ્રમાણે ક્રોસ એક્ઝામિનેશન ઓછામાં ઓછું અઠવાડિયામાં એક દિવસ કરવામાં આવશે.

બધાની રજૂઆત અને પુરાવા અંગેની દલીલો સાંભળી લેવાની ઉપરોક્ત બધી જ પ્રક્રિયા પૂરી થયા બાદ બે અઠવાડિયાનો સમય આપવામાં આવશે અને તેા પછી અંતિમ સુનાવણીની તારીખ જાહેર કરવામાં આવશે.

ઉપરોક્ત કાર્યક્રમમાં કોઈનો વાંધા-વિરોધ નહીં હોય અથ્ાવા તો સુનાવણી મોકૂફ રાખવાની અરજી આપવામાં નહીં આવે તો નિર્ધારિત તારીખો મુજબ કામકાજ પૂર્ણ કરવામાં આવશે. તારીખોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે તો તેની જાણકારી વકીલોને આપવામાં આવશે એમ પણ વિધાનસભાના અધ્યક્ષે સહી કરેલા કાર્યક્રમ પત્રિકામાં જણાવવામાં આવ્યું હોવાનું સરોદેએ કહ્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે ઉલટ તપાસમાં લગભગ એક મહિનાનો સમય લાગશે અને તેથી જાન્યુઆરી-2024માં અંતિમ નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે.

આમ જોવામાં આવે તો 2024નું વર્ષ ચૂંટણીનું જ વર્ષ હોવાથી વર્તમાન સરકારને કોઈ વાંધો આવશે નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button