રાજ્યમાં ભાજપ જ મોટો ભાઈ: જેપી નડ્ડાએ પાર્ટીના નેતાઓની બેઠકમાં કર્યું મોટું નિવેદન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો સમીકરણો બેસાડવામાં વ્યસ્ત થઈ ગયા છે. આ બધાની વચ્ચે પહેલાં અમિત શાહ અને પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની મુંબઈ મુલાકાતને લઈને ભારે અટકળો વહેતી થઈ રહી છે. આ બંને નેતાઓએ બેઠકોની વહેંચણીને મુદ્દે શું ચર્ચા કરી તેની અટકળો લગાવવામાં આવી રહી છે ત્યારે શનિવારે આધારભૂત સાધનો પાસેથી એવું જાણવા મળ્યું હતું કે રાજ્યમાં ભાજપ મોટો ભાઈ રહેશે એવું તેમણે ભાજપના ટોચના નેતાઓ સમક્ષ કહ્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દિવાળી પહેલાં યોજાવાના એંધાણ, ક્યારે જાહેર થશે આચારસંહિતા ?
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા શનિવારે પોતાની મુંબઈ મુલાકાત દરમિયાન ‘લાલબાગ ચા રાજા’ના દર્શન કરવા ગયા હતા. તેમણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલો પર પણ ગણેશ દર્શન કર્યા હતા અને ત્યારબાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલો પર ગણપતિના દર્શન કર્યા બાદ ભાજપના રાજ્યના ટોચના નેતાઓ સાથે બેઠક યોજી હતી. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલામાં યોજાયેલી બેઠકના અંદરના સમાચાર હવે હાથ લાગ્યા છે. નડ્ડાએ કહ્યું હતું કે તેઓ શિવસેના શિંદે જૂથ અને અજિત પવારના રાષ્ટ્રવાદીના ગઠબંધન સાથે જ વિધાનસભાની ચૂંટણી લડવા માગે છે. સૂત્રોએ માહિતી આપી છે કે નડ્ડાએ ભાજપના નેતાઓને જીતનો ગુપ્ત મંત્ર આપ્યો હતો.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કસી કમર, ગડકરીને સોંપી મોટી જવાબદારી
આ બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, પંકજા મુંડે, પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે, રાવસાહેબ દાનવે, ભાજપના મહારાષ્ટ્ર રાજ્યના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ભાજપના રાષ્ટ્રીય કેન્દ્રીય સચિવ શિવ પ્રકાશ, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ પણ હાજર હતા. સૂત્રોએ જણાવ્યું છે કે આ વખતે નડ્ડાએ ભાજપના નેતાઓને મહાયુતિના વધુ ઉમેદવારોને ચૂંટવા માટે અપીલ કરી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે તેમણે આ બેઠકમાં એમ પણ કહ્યું હતું કે શિવસેના અને રાષ્ટ્રપતિને સાથે લઈને ચૂંટણી લડવી જોઈએ અને ભાજપના નેતાઓએ મોટા ભાઈની ભૂમિકા નિભાવીને બંને પક્ષોનું ધ્યાન રાખવું જોઈએ. વિધાનસભાની ચૂંટણીમાં બળવો ટાળવા માટે પક્ષના નેતાઓને વિશ્ર્વાસમાં લેવાની આવશ્યકતા જે.પી. નડ્ડા દ્વારા વ્યક્ત કરવામાં આવી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.
વિધાનસભા માટે ભાજપનો એક્શન પ્લાન
દરમિયાન લોકસભાની ચૂંટણીના નબળા દેખાવમાંથી બોધપાઠ લીધા બાદ હવે ભાજપે વિધાનસભા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમિત શાહ થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા. તો શનિવારે જે. પી. નડ્ડા મુંબઈમાં આવ્યા હતા.જ્યારે મહારાષ્ટ્રના પ્રભારી અને કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે, ભુપેન્દ્ર યાદવ હવે અઠવાડિયામાં 2 દિવસ મહારાષ્ટ્રમાં જ રહેશે.