સિગારેટને મુદ્દે થયેલા વિવાદમાં જ્વલનશીલ પ્રવાહી રેડી યુવાનને જીવતો સળગાવ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સિગારેટના રૂપિયા આપવાને મુદ્દે થયેલા વિવાદ બાદ જ્વલનશીલ પ્રવાહી રેડી યુવાનને જીવતો સળગાવવામાં આવ્યો હોવાની ઘટના જોગેશ્ર્વરીમાં બની હતી. આ ઘટનામાં યુવાન ગંભીર રીતે દાઝ્યો હોઈ પોલીસે ફરાર આરોપીની શોધ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના જોગેશ્ર્વરી પશ્ર્ચિમમાં યાદવ નગર પાસેના બાંદિવલી હિલ રોડ પર શનિવારની રાતે બની હતી. આ પ્રકરણે રાજેન્દ્ર જયરામ યાદવની ફરિયાદને આધારે અંબોલી પોલીસે નાગેન્દ્ર યાદવ (22) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
ડ્રાઈવિંગનું કામ કરતો રાજેન્દ્ર રાતે 10 વાગ્યાની આસપાસ ઘર નજીક આવેલા ભત્રીજા પંકજના પાનના સ્ટૉલ પાસે પહોંચ્યો હતો. તે સમયે આરોપી નાગેન્દ્ર અને પંકજ વચ્ચે બોલાચાલી થતી હતી. નાગેન્દ્રએ સિગારેટ લીધા પછી તેની કિંમત ચૂકવી નહોતી.
આ પણ વાંચો: મૃત માનેલો પુત્ર ૩ મહિના પછી જીવતો મળ્યો: વીડિયો કોલ પર જોઇ પરિવારની ખુશીનો પાર ન રહ્યો
રૂપિયા આપવાને બદલે ઉદ્ધત વર્તન કરનારા નાગેન્દ્રએ રાજેન્દ્રએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દારૂના નશામાં ચૂર નાગેન્દ્ર રાજેન્દ્ર સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. ગુસ્સામાં રાજેન્દ્રએ નાગેન્દ્રને લાફો મારી ગાળો ભાંડી હતી. તે સમયે સ્થાનિક રહેવાસીઓએ મધ્યસ્થી કરી નાગેન્દ્રને ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું. જતાં જતાં નાગેન્દ્રએ રાજેન્દ્રને મારી નાખવાની ધમકી આપી હતી.
ફરિયાદ અનુસાર વીસેક મિનિટ પછી નાગેન્દ્ર પાછો આવ્યો હતો અને રાજેન્દ્ર પર જ્વલનશીલ પ્રવાહી રેડ્યું હતું. રાજેન્દ્ર કંઈ સમજે તે પહેલાં નાગેન્દ્રએ દીવાસળી ચાંપી હતી. પ્રવાહીને કારણે ભડકા સાથે આગ લાગી હતી. આ દૃશ્ય જોઈ રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા અને આગ ઓલવી નાખી હતી, પરંતુ આગને કારણે રાજેન્દ્ર ગંભીર રીતે દાઝ્યો હતો.
સારવાર માટે રાજેન્દ્રને પહેલાં ટ્રોમા કૅર સેન્ટર અને પછી ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર બાદ તેનું સ્વાસ્થ્ય સુધારા પર હોવાનું પોલીસનું કહેવું છે. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.



