પુણે પોર્શે કાર કેસ: જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના હકાલપટ્ટી કરાયેલા બે સભ્યની હાઇ કોર્ટમાં ધા…

પુણે: પુણે પોર્શે કાર ક્રેશ કેસમાં સગીર આરોપીને જામીન આપવા માટે હકાલપટ્ટી કરાયેલા જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (જેજેબી)ના બે સભ્યએ પોતાની બરતરફી સામે હાઇ કોર્ટમાં ધા નાખી હતી. હાઇ કોર્ટે આ અંગે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં રાજ્ય સરકારે કાર્યવાહીમાં ખામી અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ સત્તાનો દુરુપયોગ ગણાવીને જેજેબીના સભ્યો એલ. એન. દનાવડે અને કવિતા થોરાતની સેવામાંથી હકાલપટ્ટી કરી હતી.
મહિલા અને બાળ વિકાસ (ડબ્લ્યુસીડી) વિભાગ દ્વારા કરાયેલી તપાસમાં જુવેનાઇલના જામીન મંજૂર કરતી વખતે નિયમોનું પાલન ન થયું તથા ગેરરીતિ આચરવામાં આવી હોવાનું જણાવી ઉક્ત બન્ને અધિકારીને દોષી ઠરાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્ય સરકારે જેજેબીના બન્ને અધિકારીને ફરજમાંથી બરતરફ કર્યા હતા. દનાવડે અને થોરાતે સરકારના આ નિર્ણય સામે હાઇ કોર્ટમાં ધા નાખી હતી તથા પોતાની બરતરફીને ગેરકાયદે ગણાવી હતી.
૨૩મી એપ્રિલે હાઇ કોર્ટે ડબ્લ્યુસીડી વિભાગને નોટિસ ફટકારીને ૧૮મી જૂન સુધી સુનાવણી મુલતવી રાખી હતી. થોરાતે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે જૂનમાં સરકારે કારણદર્શક નોટિસ ફટકારી હતી અને તેનો જવાબ પણ આપ્યો હતો. ત્યાર બાદ તપાસ હાથ ધરાઇ અને તેની હકાલપટ્ટી કરવામાં આવી. તેમ છતાં તપાસના અહેવાલની નકલ જ થોરાતને આપવામાં આવી નહોતી, એવો દાવો પણ અરજીમાં કરાયો હતો.
દનાવડેએ તો સગીર આરોપીને માર્ગ સુરક્ષા પર ૩૦૦ શબ્દનો નિબંધ લખવાની શરત પર જામીન આપ્યા હતા. આ નિર્ણય સામે ઘણાએ વાંધો પણ ઉઠાવ્યો હતો. પુણે પોલીસે જેજેબીનો સંપર્ક સાધ્યો હતો અને નિર્ણય પર વિચારણા કરવા કહ્યું હતું. ત્યાર બાદ બોર્ડે આદેશને સુધારીને સગીર આરોપીને નિરીક્ષણ ગૃહમાં મોકલાવ્યો હતો. જૂનમાં હાઇ કોર્ટે જુવેનાઇલને મુક્ત કર્યો હતો. (પીટીઆઇ)
આપણ વાંચો : Pune porsche accident: આરોપી શાળામાં પણ વિદ્યાર્થીઓને બુલી કરતો, દાદાનું છે છોટા રાજન કનેક્શન