પાંચ દિવસ કામ કરીને જ્વેલર્સની દુકાન ‘સાફ’ કરનારો નોકર પકડાયો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

પાંચ દિવસ કામ કરીને જ્વેલર્સની દુકાન ‘સાફ’ કરનારો નોકર પકડાયો

લગ્નમાં થયેલા ખર્ચનું સાટું વાળવા નવી મુંબઈની દુકાનમાં ચોરી કર્યાનો દાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
નવી મુંબઈના કામોઠે ખાતેની જ્વેલરીની દુકાનમાં માત્ર પાંચ દિવસ કામ કરીને 72 લાખ રૂપિયાની મતા ચોરનારો નોકર બોરીવલીમાં ઝડપાઈ ગયો હતો. લગ્નમાં થયેલા છથી સાત લાખ રૂપિયાના ખર્ચની ભરપાઈને ઇરાદે હાથફેરો કર્યાની કબૂલાત આરોપીએ કરી હતી.

કસ્તુરબા માર્ગ પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ કરણસિંહ નાથુસિંહ ખારવાર (20) તરીકે થઈ હતી. રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં રહેતો ખારવાર વતન ફરાર થવાની તૈયારીમાં હતો ત્યારે પકડાઈ ગયો હતો. તેની પાસેથી 78 તોલા સોનાના દાગીના, 18 નાના હીરા અને 1.39 લાખની રોકડ હસ્તગત કરવામાં આવી હતી.

આપણ વાંચો: મંદિરમાંથી ચાંદીની મૂર્તિ, મુગટ અને દાનપેટીમાંની રોકડ ચોરનારો પકડાયો

ગણેશવિસર્જન હોવાથી શનિવારે મુંબઈમાં ઠેકઠેકાણે નાકાબંધી કરવામાં આવી હતી અને પોલીસનું પેટ્રોલિંગ પર વધારી દેવામાં આવ્યું હતું. કસ્તુરબા માર્ગ પોલીસ પણ પેટ્રોલિંગ પર હતી ત્યારે તેમની નજર બોરીવલી રેલવે સ્ટેશન પરિસરમાં શંકાસ્પદ રીતે ફરતા આરોપી પર પડી હતી. શંકાને પગલે તાબામાં લઈ તેની પાસેની બૅગની તપાસ કરવામાં આવી હતી.

આરોપી પાસેની બૅગમાંથી સોનાના દાગીના, હીરા અને રોકડ મળી આવતાં પોલીસે તેની પૂછપરછ કરી હતી. શરૂઆતમાં ઉડાઉ જવાબ આપનારા આરોપીએ બાદમાં ચોરીની કબૂલાત કરી હતી.

આપણ વાંચો: એક્સપ્રેસ ટ્રેનમાંથી દાગીના ચોરનારો પકડાયો: ચોરીના દાગીના ખરીદવા બદલ ઝવેરી બજારના બે જ્વેલર્સની ધરપકડ

કામોઠે સેક્ટર-12 ખાતે આવેલી પારસનાથ જ્વેલર્સ દુકાનમાંથી દાગીના ચોર્યા હોવાનું આરોપીએ કહ્યું હતું. આ પ્રકરણે પોલીસે નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક સાધતાં આરોપીની કબૂલાતને સમર્થન મળ્યું હતું.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે પાંચ દિવસ અગાઉ જ આરોપી દુકાનમાં કામે લાગ્યો હતો. શનિવારે બપોરે દુકાનમાલિક જમવા ગયો ત્યારે તક ઝડપી આરોપી દુકાન સાફ કરી રફુચક્કર થઈ ગયો હતો. વતન જવા પહેલાં જ તે પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો.

કહેવાય છે કે આરોપીનાં લગ્ન ગયા વર્ષે જ થયાં હતાં અને લગ્નમાં છથી સાત લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ રકમ પાછી મેળવવાની લાલચમાં તેણે ગુનો આચર્યો હતો. આરોપી અને ચોરીની મતા નવી મુંબઈ પોલીસના તાબામાં સોંપાયા હતા.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button