આમચી મુંબઈ

નાલાસોપારામાં જ્વેલર્સની દુકાનમાંથી દાગીના ચોરનારા પકડાયા

કર્ણાટકમાંથી ચોરેલી બોલેરોની નંબર પ્લૅટ બદલીને ટોળકીએ અનેક ઠેકાણે ચોરી કર્યાની કબૂલાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાલાસોપારામાં જ્વેલર્સની દુકાનનું શટર તોડી 15 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીને ભિવંડીમાં પકડી પાડ્યા હતા. આ ટોળકીએ કર્ણાટકમાંથી ચોરેલી બોલેરો કારની નંબર પ્લૅટ બદલીને અનેક ઠેકાણે ચોરી કરી હોવાનું તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું.

મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના સિનિયર ઈન્સ્પેક્ટર પ્રમોદ બડાખની ટીમે પકડી પાડેલા આરોપીઓની ઓળખ મોહમ્મદ શાહીદ અલ્લાદીન ખાન (44), શંકર મંજુ ગૌડા (49) અને શમશુદ દોહા રઈસ કુરેશી (33) તરીકે થઈ હતી. તેમની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બોલેરો કાર અને ચોરી માટેનાં સાધનો જપ્ત કરવામાં આવ્યાં હતાં.

પોલીસ ફરિયાદ અનુસાર નાલાસોપારા પશ્ર્ચિમમાં આવેલી નાકોડા જ્વેલર્સ દુકાનનું શટર તોડી આરોપીઓએ 15.27 લાખ રૂપિયાના દાગીના અને રોકડ ચોરી હતી. 15 મેની રાતે 9.30 વાગ્યે દુકાન બંધ કર્યા પછી બીજી સવારે 10 વાગ્યે દુકાન ખોલવામાં આવી ત્યારે ઘટનાની જાણ થઈ હતી. આ પ્રકરણે નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળે લાગેલા સીસીટીવી કૅમેરાને આધારે આરોપીઓની ઓળખ મેળવી હતી.

ગુનામાં સંડોવાયેલા આરોપી ભિવંડી પરિસરમાં હોવાની માહિતી મળતાં પોલીસની ટીમે બુધવારે ત્રણેયને પકડી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે કર્ણાટકમાં રહેતો ગૌડા ત્યાંથી બોલેરો કાર ચોરી લાવ્યો હતો. આ કારની નંબર પ્લૅટ બદલીને ટોળકીએ મુંબઈ, થાણે, ભિવંડી અને ડોમ્બિવલીમાં ચોરી કરી હતી. કારમાંથી પોલીસને બે નંબર પ્લૅટ મળી આવી હતી. ગૌડા કર્ણાટક અને ઈગતપુરીમાં લૂંટના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું પોલીસનું કહેવું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button