જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલને મળ્યા જામીન

મુંબઇઃ બૉમ્બે હાઇ કોર્ટે મની લૉન્ડરિંગ કેસમાં જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલને તબીબી અને માનવીય કારણોસર બે મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. આ પહેલા 3મેના રોજ થયેલી સુનાવણીમાં બૉમ્બે હાઇકોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગોયલની ધરપકડ કરવામાં આવી છે. ગોયલને શરતી જામીનઆપવામાં આવ્યા છે. તેઓ ટ્રાયલ કોર્ટની પૂર્વ પરવાનગી વિના મુંબઇ છોડી શકશે નહીં. તેમને એક લાખ રૂપિયાની જામીનની રકમ કોર્ટમાં જમા કરાવવી પડશે. તેમને પાસપોર્ટ પણ સરેન્ડર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલે મની લોન્ડરિંગ કેસમાં તબીબી આધારો પર જામીન મેળવવા માટે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે તે અને તેની પત્ની બંને એડવાન્સ કેન્સરથી પીડિત છે.
જેટ એરવેઝે એપ્રિલ 2019માં રોકડની તંગીને પગલે કામગીરી બંધ કરી દીધી હતી. બાદમાં ગોયલે એરલાઇનના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હતું. ગોયલ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ CBI FIR સાથે સંબંધિત છે, જે મુંબઈની એક બેંકની ફરિયાદના આધારે નોંધવામાં આવી હતી. ED અનુસાર, બેંકે જેટ એરવેઝ લિમિટેડ, તેના પ્રમોટર્સ અને ડિરેક્ટર્સ પર બેંકો પાસેથી લીધેલી 538.62 કરોડ રૂપિયાની લોન કેસમાં છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. EDએ 1 સપ્ટેમ્બરના રોજ નરેશ ગોયલની ધરપકડ કરી હતી.