Baba Siddique હત્યા કેસના ચોથા આરોપી જસીન અખ્તરની આવી છે ક્રાઈમ કુંડળી, જાણો

મુંબઈઃ અજિત પવારની એનસીપીના દિગ્ગજ નેતા બાબા સિદ્દીકી હત્યાકાંડને લઈ એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. પંજાબના જાલંધર જિલ્લાના શંકર ગામના રહેવાસી મોહમ્મદ જસીન અખ્તર બાબા સિદ્દીકી હત્યાકાંડનો ચોથો આરોપી છે. આ મામલામાં નવી જાણકારી આપતાં નકોદરના ડીએસપી સુખપાલ સિંહે ખુલાસો કર્યો કે, અખ્તર પર પહેલાંથી જ એક ગંભીર ગુનો નોંધાયેલો છે. જમાં હત્યા, લૂંટ અને હથિયારોની ચોરીનો સંગીન આરોપ સામેલ છે.
જાણકારી મુજબ, જસીન અખ્તર પર વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ મળીને 9 મામલા નોંધાયેલા છે. આ મામલાની ગંભીરતા જોતા પંજાબ ઉપરાંત હરિયાણામાં પણ તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
2022માં જસીનની કરવામાં આવી હતી ધરપકડ
2022માં જસીન અખ્તરની જાલંધર પોલીસે પ્રથમ વખત ધરપકડ કરી હતી. પરંતુ તે બાદ ગામ પરત ફર્યો નથી. આ સ્થિતિને લઈ પોલીસ અધિકારીઓની ચિંતા વધી ગઈ છે. મુંબઈ પોલીસ આ હત્યાકાંડની તપાસમાં ખાસ ભૂમિકા નિભાવી રહી છે અને કેટલાક મહત્ત્વના પુરાવા પણ એકત્રિત કર્યા છે..
આ પણ વાંચો :બાબા સિદ્દીકી મર્ડર મિસ્ટ્રીઃ રાજકીય કિન્નાખોરી કે ષડયંત્રનો ભોગ?
પંજાબથી હરિયાણા સુધી ફેલાયેલું છે નેટવર્ક
તાજેતરમાં મુંબઈ પોલીસની એક ટીમે જાલંધર ગઈ હતી. જ્યાં તેમણે સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે મળીને તપાસ પ્રક્રિયા આગળ વધારી છે. જસીન અખ્તરનું નેટવર્ક પંજાબથી લઈ હરિયાણા સુધી ફેલાયેલું છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે તેનું નેટવર્ક ઘણું મોટું અને સંગઠિત છે.
લૉરેંસ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો છે જસીન
પંજાબ પોલીસના દસ્તાવેજો મુજબ, તે લૉરેંસ બિશ્નોઈ ગેંગ સાથે પણ જોડાયેલો છે. જસીને વિક્રમ બરાડના કહેવા પર પંજાબમાં બે ડેરા પ્રેમીઓની રેકી પણ કરી હતી. સૂત્રો મુજબ, જસીન અખ્તર સીધો લૉરેંસ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નૉઈના સંપર્કમાં હતો અને એક ખાસ એપથી તેમની વચ્ચે વાતચીત થતી હતી.
પુણાના સૌરભ મહાકાલ સાથે પણ કૉન્ટેક્ટ
મોહમ્મદ જસીન અખ્તરનો સંબંધ પુણેના ગેંગસ્ટર સૌરભ મહાકાલ સાથે પણ છે. સૌરભ મહાકાલ પુણેનો ગેંગસ્ટર છે. જેની મુંબઈ પોલીસે સલમાન ખાનના પિતા સલીમ ખાનને ધમકી ભર્યો પત્ર લખવાના કેસમાં પૂછપરછ કરી હતી. આ પહેલા ગુનાહિત મામલામાં ધરપકડ કરનારા પંજાબ પોલીસના અધિકારીએ જસીન અખ્તર અંગે એક મીડિયા સાથે વાત કરી હતી અને સૌરભ મહાકાલ જસીનના ઘરે આવીને રોકાયો હોવાનું જણાવ્યું હતું.