જરાંગે પાટીલને નોટિસ: સોમવારે પોલીસ સ્ટેશનમાં હાજર થવા સૂચના…

મુંબઈ: મરાઠા અનામત આંદોલનના નેતા જરાંગે પાટીલ સહિત છ જણને મુંબઈ પોલીસે નોટિસ મોકલાવી છે. આંદોલન સમયે નિયમોનું ઉલ્લંઘન કરવા સહિતના મામલે પૂછપરછ માટે સોમવારે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું નોટિસમાં જણાવાયું છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આઝાદ મેદાન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 35(3) હેઠળ આ નોટિસ આપવામાં આવી છે. 29 ઑગસ્ટથી બીજી સપ્ટેમ્બરની સાંજ સુધી દક્ષિણ મુંબઈમાં કરાયેલા આંદોલન પ્રકરણે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ ગુનાની તપાસ અર્થે તથ્યો અને વસ્તુસ્થિતિ જાણવા પૂછપરછ માટે સબળ કારણો પોલીસ પાસે હોવાથી સોમવારની સવારે 11 વાગ્યે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું નોટિસમાં જણાવાયું છે. આ નોટિસ જરાંગે પાટીલ સહિત પાંડુરંગ તારક, સીતારામ કલકુઠ્ઠે, પ્રશાંત સાવંત, ચંદ્રકાંત ભોસલે અને વીરેન્દ્ર પવારને પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મરાઠા આંદોલન સમયે જમાવબંધી આદેશનું ઉલ્લંઘન કરાયું હતું. એ સિવાય સૂત્રોચ્ચાર કર્યા, ટ્રાફિક વ્યવસ્થાને ખોરવી અને સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરવાના આરોપસર પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો…રાજ્ય સરકારે નમતું જોખ્યું: જરાંગે પાટીલની મોટા ભાગની માગણીઓ સ્વીકારાઈ



