સર્વપક્ષી બેઠકની અપીલ બાદ પણ જરાંગે ભૂખ હડતાળ પર મક્કમ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠા અનામત અંગે નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે અને કેટલીક કાયદેસર બાબતોની પૂર્તતા કરવા માટે સરકારને થોડો સમય જોઈએ છે આ બાબતને ધ્યાનમાં રાખીને જરાંગે પાટીલે પોતાની ભૂખ હડતાળ છોડી દેવી જોઈએ એવો ઠરાવ બુધવારે સર્વપક્ષી બેઠકમાં કરવામાં આવ્યો હોવા છતાં મરાઠા અનામત માટે અંતરવાળી સરાટી ગામમાં ભૂખ હડતાળ પર બેઠેલા મનોજ જરાંગે પાટીલે સર્વપક્ષી બેઠકની અપીલને ફગાવી દીધી છે અને જ્યાં સુધી બધા જ મરાઠા સમાજના લોકોને કુણબી પ્રમાણપત્ર આપવામાં ન આવે ત્યાં સુધી પોતાનું આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય લેતાં જો માગણી પૂરી ન કરવામાં આવે તો સાંજથી ફરી એકવખત પાણી બંધ કરવાની જાહેરાત કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે મનોજ જરાંગે-પાટીલના ઉપવાસનો બુધવારે આઠમો દિવસ છે અને તેમની તબિયત સોમવારે કથળ્યા બાદ રાજ્યમાં અનેક સ્થળે હિંસા ભડકી હતી, જે મંગળવારે પણ ચાલુ રહી હતી. મંગળવારે મુખ્ય પ્રધાન સાથે ફોન પર વાત થયા બાદ જરાંગે પાટીલે પાણી પીવાનું ચાલુ કર્યું હતું. હવે બુધવારે રાતથી ફરી પાણી બંધ કરવાની ચિમકી તેમણે ઉચ્ચારી છે.
તેમણે એમ કહ્યું હતું કે બધા જ પક્ષના નેતાઓએ સરકારને વિધાનસભાનું વિશેષ અધિવેશન બોલાવીને મરાઠા સમાજને આરક્ષણ મેળવી આપવા માટે દબાણ લાવવું જોઈએ. જો આવું કરવામાં નહીં આવે તો હું પાણી પીવાનું બંધ કરી દઈશ. આંદોલન બંધ થશે નહીં, તે શાંતીપુર્વક ચાલુ રહેશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે હિંસાગ્રસ્ત બીડ જિલ્લાના કેજમાં જે મરાઠા આંદોલનકારીઓને અટકાયતમાં લેવામાં આવ્યા હતા તેમને મુક્ત કરી દેવામાં આવ્યા છે.
જરાંગેએ ભાજપના નેતાઓ દ્વારા મરાઠા અનામત અંગે કરવામાં આવેલા નિવેદનો બાબતે તેમની ટીકા કરતાં કહ્યું હતું કે નેતાઓએ હવે આ મુદ્દા પર બોલવું ન જોઈએ, તેઓ અમારી સાથે મીઠી વાતો કરે છે અને પછી આંદોલનકારીઓ સામે ગુના નોંધે છે. આથી જ તેઓ પડતી તરફ આગળ વધી રહ્યા છે.
બીડ અને જાલનામાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી તેને કારણે લોકોમાં આક્રોશ છે એમ પણ તેમણે કહ્યું હતું.
તમે મરાઠા સમાજના યુવાનોની કારકિર્દી ખતમ કરી રહ્યા છો, પરંતુ તમારી કારકિર્દી ખતમ કરવાનું મરાઠા સમાજના હાથમાં છે, એવી ચિમકી પણ તેમણે ઉચ્ચારી હતી.