…તો વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે: જરાંગેની જાહેરાત | મુંબઈ સમાચાર

…તો વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે: જરાંગેની જાહેરાત

મુંબઈઃ આ વર્ષે લોકસભા અને આગામી વર્ષે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવશે ત્યારે પોતાના સમુદાયને વધુ મજબૂત બનાવવા માટે આગામી વર્ષે અન્ય નાના પક્ષો પણ ચૂંટણીમાં ઝંપલાવી શકે છે, જે શક્યતાને લઈ મરાઠા સમુદાયના જાણીતા નેતા મનોજ જરાંગેએ આજે મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે જો અમારી માગણીઓ પૂરી નહીં થાય તો વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે.

મરાઠા આરક્ષણના આંદોલનકારી મનોજ જરાંગેએ રવિવારે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરવાની કોઈ ઈચ્છા નથી, પણ જો આરક્ષણની માંગણી 6 જૂન સુધીમાં નહીં સ્વીકારવામાં આવે તો મરાઠાઓ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડે એવી પૂરેપૂરી સંભાવના છે.


લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાં 19 એપ્રિલથી 20 મે દરમિયાન પાંચ તબક્કામાં યોજવામાં આવશે, ત્યાર બાદ રાજ્યની વિધાનસભા ચૂંટણીનું આયોજન થશે. લોકસભા ચૂંટણીની મત ગણતરી ચોથી જૂને કરવામાં આવશે.


નવી મુંબઈ ખાતે સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં જરાંગેએ જણાવ્યું હતું કે અમે સક્રિય રાજકારણમાં સામેલ નથી. કોઈ પણ રાજકીય પક્ષ તરફ અમારો ઝુકાવ નથી. અમે કોઈ ઉમેદવાર પણ ઊભો નથી રાખ્યો અને કોઈ ઉમેદવારને સમર્થન પણ જારી નથી કરવાના.

Back to top button