Maratha-OBC વચ્ચે ફૂટ પાડવા સરકાર પ્રયત્નશીલ હોવાનો જરાંગેનો આરોપ
છત્રપતિ સંભાજી નગર: મહારાષ્ટ્ર સરકાર મરાઠા અને ઓબીસી (Maratha and OBC) વચ્ચે ફૂટ પાડવાની કોશિશ કરી રહી છે એવો આરોપ મરાઠા આરક્ષણના આંદોલનકારી મનોજ જરાંગેએ શુક્રવારે કર્યો હતો. અલબત્ત પોતે સરકારનો ઈરાદો સફળ નહીં થવા દે એવો દ્રઢ નિર્ધાર પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
છત્રપતિ સંભાજી નગરની હોસ્પિટલમાંથી રજા લીધા પછી એક ચેનલ સાથેની વાતચીતમાં 41 વર્ષના જરાંગેએ જણાવ્યું હતું કે સરકારમાં એવી 8 – 9 વ્યક્તિ છે જેમને મરાઠા સમાજ માટે તિરસ્કાર છે અને એ લોકોના નામ ‘યોગ્ય સમયે’ જનતાને જણાવી દેવામાં આવશે.
આ પણ વાંચો: મરાઠાઓને ઓબીસી ક્વોટામાંથી અનામત આપી શકાય નહીં: ભૂજબળ
મરાઠાઓ અને ઓબીસી વચ્ચે ફાટફૂટ પડે એ આશયથી સરકાર અન્યોને આઘા ખસેડી નવા નેતાઓને આગળ કરી રહી છે. ઓબીસી ક્વોટામાં ઘટાડો ન થાય એ બદલ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો ખોટા નથી.’
ઓબીસી એક્ટિવિસ્ટ લક્ષ્મણ હાકે અને નવનાથ વાઘમારે 13 જૂનથી જાલના જિલ્લામાં ઉપવાસ પર ઉતર્યા છે. કુણબીઓને મરાઠા સમાજના ‘સગા સોઈરે’ (લોહીની સગાઈ) તરીકે માન્યતા આપતા ડ્રાફ્ટ નોટિફિકેશનને સરકાર રદ કરે એવી તેમની માંગણી છે.
આ પણ વાંચો: આ મહેનતુ, મરાઠા અને પછાત સમુદાયોનું અપમાન છે: આદિત્ય ઠાકરે દ્વારા કરાયેલી અપમાનાસ્પદ ભાષા પર શિંદેનો જવાબ
કુણબી લોકો રાજ્યમાં ઓબીસી વિભાગ હેઠળ આવે છે. જરાંગે એવી માંગણી કરી રહ્યા છે કે કુણબી પ્રમાણપત્ર બધા જ મરાઠાઓને આપવામાં આવે જેથી સરકારી નોકરી અને શિક્ષણમાં તેમને ક્વોટા મળે. ‘ગામમાં વિવિધ જાતિઓ વચ્ચે તણાવ પેદા ન થાય એની કાળજી મરાઠા સમાજ રાખશે’ એમ જરાંગેએ જણાવ્યું હતું.
અગાઉ મહારાષ્ટ્રના પ્રધાન ગિરીશ મહાજને જણાવ્યું હતું કે ‘સગા સોયરે’ને આરક્ષણ આપવાની જરાંગેની માંગણી કાનૂન સામે નહીં ટકે. આ સંદર્ભમાં જરાંગેએ જણાવ્યું હતું કે ‘એ લોકો (સરકાર) સત્ય નથી કહી રહ્યા. તેઓ જ બંધારણ અને કાનૂની નિષ્ણાતોનો મુદ્દો આરક્ષણ માટે લાવ્યા અને હવે કહે છે કે એ ટકી નહીં શકે.’