
મુંબઈ: જાલનામાં એમઆઈડીસી(મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન)માં આવેલી ગજકેસરી નામની સ્ટીલ ફેક્ટરીમાં સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ થયેલા ભયંકર વિસ્ફોટમાં 20 કામગાર જખમી થયા હોવાની તેમ જ તેમાંના ત્રણ કામગારની હાલત અત્યંત નાજુક હોવાની જાણકારી પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અજય કુમાર બન્સલે આપી હતી.
આ કંપની સ્ટીલના ભંગારમાંથી સ્ટીલ બાર બનાવતી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે જણાવ્યા અનુસાર આ મામલે કંપનીના માલિક વિરુદ્દ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં ઘાયલ થયેલા કામગારોને છત્રપતિ સંભાજીનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેમના પર ઉપચાર કરવામાં આવી રહ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
જોકે, આવી ગંભીર પરિસ્થિતિમાં પણ ઘટનાસ્થળે પડેલા કામગારોના મોબાઇલ ચોરી થયા હોવાનો દાવો ઘટનાસ્થળે હાજર અન્ય કામગારોએ કર્યો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અજયકુમાર બંસલ તેમ જ અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે જાલનામાં આવી 20થી 25 સ્ટીલ ફેક્ટરી આવેલી છે અને તેમાં કુલ 40થી 50 હજાર જેટલા કામગારો કામ કરે છે. ફેક્ટરીમાં આગ લાગવાની કે વિસ્ફોટ થવાની ઘટના આ પહેલા પણ બની ચૂકી છે. તેથી અહીં કામ કરતા કામગારો-મજૂરોની સુરક્ષા માટે હજી સુધી કોઇ નક્કર પગલાં લેવામાં ન આવ્યા હોવાનું જણાય છે.