સીઆરપીએફના નિવૃત્ત અધિકારીએ ગોળી મારીને પુત્રીની કરી હત્યા: જમાઇ ઇજાગ્રસ્ત

મુંબઈ: જળગાંવ જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના નિવૃત્ત અધિકારીએ રિવોલ્વરમાંથી ગોળી મારીને તેની પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી હતી, જ્યારે જમાઇને ઘાયલ કર્યો હતો. ચોપડા તહેસીલમાં શનિવારે રાતે લગ્ન સમારંભમાં આ ઘટના બની હતી.
જળગાંવ પોલીસના જણાવ્યા મુજબ સીઆરપીએફના નિવૃત્ત અધિકારી કિરણ માંગલે (50)એ શનિવારે રાતે ગોળી મારી પુત્રી તૃપ્તિની હત્યા કરી હતી, જ્યારે જમાઇ અવિનાશને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો.
આપણ વાંચો: 7 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરી મોતને ઘાટ ઉતારી, પોલીસે 14 કલાકમાં આરોપીને દબોચી લીધો…
તૃપ્તિનાં લગ્ન એક વર્ષ અગાઉ થયાં હતાં અને તે પતિ સાથે પુણેમાં રહેતી હતી. દંપતી લગ્નમાં હાજરી આપવા માટે જળગાંવ આવ્યું હતું.
દરમિયાન કિરણ માંગલે લગ્ન સમારંભમાં આવ્યો ત્યારે તેણે પુત્રી અને જમાઇને જોયાં હતાં. કિરણે ગોળીબાર કર્યા બાદ ત્યાં હાજર લોકોએ તેને પકડીને માર માર્યો હતો, જેમાં કિરણ ઘવાયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પોલીસે આ પ્રકરણે કિરણ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હોઇ હત્યા પાછળ કારણ જાણી શકાયું નહોતું. (પીટીઆઇ)