જળગાંવમાં પચાસ કરોડ રૂપિયાનું એમ્ફેટામાઇન ડ્રગ્સ જપ્ત: ત્રણની ધરપકડ | મુંબઈ સમાચાર

જળગાંવમાં પચાસ કરોડ રૂપિયાનું એમ્ફેટામાઇન ડ્રગ્સ જપ્ત: ત્રણની ધરપકડ

મુંબઈ: રાયગડ જિલ્લામાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીમાંથી બુધવારે 88.92 કરોડ રૂપિયાના કેટામાઇન ડ્રગ્સ સાથે ચાર જણની ધરપકડ કરાયા બાદ હવે જળગાંવ જિલ્લામાં પચાસ કરોડનું એમ્ફેટામાઇન ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું. આ પ્રકરણે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેઓ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા હોવાની પોલીસને શંકા છે.

પોલીસ અધિકારીઓએ મળેલી માહિતીને આધારે ગુરુવારે રાતે ચાલીસગાંવ ખાતે નેશનલ હાઇવે પર કારને આંતરી હતી. કારની તલાશી લેવામાં આવતાં પચાસ કરોડ રૂપિયાની કિંમતનું 39 કિલો એમ્ફેટામાઇન ડ્રગ્સ મળ્યું હતું.

આપણ વાંચો: નશામુક્ત ગુજરાત: કચ્છમાં 875 કરોડના ડ્રગ્સનો નાશ કરાયો

પ્રતિબંધિત ડ્રગ્સ દિલ્હીથી ઇન્દોર, ધુળે, ચાલીસગાંવ અને છત્રપતિ સંભાજીનગર થઇને બેંગલુરુ લઇ જવામાં આવી રહ્યું હતું. બેંગલુરુમાં ડ્રગ્સ કઇ વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવવાનું હતું, તેને ઓળખી કાઢવા પોલીસની વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાયગડ જિલ્લાના મહાડ એમઆઇડીસી વિસ્તારના જીતે ગામમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીમાં પોલીસ ટીમે બુધવારે રેઇડ પાડીને 88.92 કરોડનું કેટામાઇન ડ્રગ્સ પકડી પાડ્યું હતું. પોલીસે ત્યાંથી ચાર જણને ઝડપી પાડ્યા હતા, જેમની ઓળખ મચ્છીન્દ્ર ભોસલે, સુશાંત પાટીલ, શુભમ સુતાર અને રોહન ગવસ તરીકે થઇ હતી.

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button