જૈન સમાજનો વિજય: ફડણવીસે ‘કબુતરખાના’ને ‘અચાનક’ બંધ કરવા અંગે નારાજી દાખવી: કબૂતરોને નિયંત્રિત ખોરાક આપવાનો નિર્દેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું હતું કે શહેરમાં કબુતરખાના (કબૂતરોને ચણ નાખવાના સ્થળો) ‘અચાનક’ બંધ કરવા યોગ્ય નથી અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પક્ષીઓને નિયંત્રિત ખોરાક આપવાનું સુનિશ્ર્ચિત કરવા કહ્યું હતું. ફડણવીસના આ નિર્ણયને જૈન સમાજના વિજય તરીકે જોવામાં આવી રહ્યો છે.
આરોગ્ય સામેના જોખમોને લઈને મુંબઈમાં પરંપરાગત ‘કબુતરખાના’ બંધ કરવાના મુંબઈ હાઈકોર્ટના નિર્દેશ પર મુંબઈ મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને મુંબઈના જૈન સમાજે આ પગલાંનો તીવ્ર વિરોધ કર્યો હતો. આ બધા વચ્ચે મુખ્ય પ્રધાનના આ નિર્દેશ જૈૈન સમાજને માટે સંતોષજનક બની રહેશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
આપણ વાંચો: જૈન સાધુ સાગરચન્દ્રસાગરનો મામલો પહોંચ્યો અદાલતમાં
મુંબઈમાં ‘કબુતરખાના’ના મુદ્દા પર એક બેઠકનું અધ્યક્ષપદ સંભાળનારા ફડણવીસે સૂચનો કરતી વખતે પક્ષીઓના જીવનનું રક્ષણ, પર્યાવરણનું રક્ષણ અને જાહેર આરોગ્ય વચ્ચે સમતુલા સાધવાનો મહત્વનો ઉલ્લેખ કર્યો હતો.
કબુતરખાના અંગેના કોઈપણ નિર્ણયો પક્ષીઓના ભૂખમરાથી બચાવવા માટે વૈકલ્પિક અને કરુણાપૂર્ણ વિકલ્પો સાથે હોવા જોઈએ, એમ પણ તેમણે કહ્યું હતું. મંગળવારે બીએમસીએ જણાવ્યું હતું કે તેણે શહેરભરના ‘કબુતરખાનાઓ’માં કબૂતરોને ચણ નાખવા બદલ 142 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી છે અને 13 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન 68,700 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.
આપણ વાંચો: વિલે પાર્લેમાંના જૈનોનો આક્રોશ:અમુક લોકોને ઈશારે અમારું દેરાસર તોડાયું
મુખ્ય પ્રધાને એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે, ‘કબૂતરોના જીવનને બચાવવા, પર્યાવરણનું રક્ષણ કરવા અને નાગરિકોના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા – આ ત્રણેય બાબતો અત્યંત મહત્વપૂર્ણ છે. જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી, બીએમસીએ કબૂતરોને ખોરાકનો નિયમિત અને નિયંત્રિત પુરવઠો ચાલુ રાખવો જોઈએ.’
તેમણે એવો નિર્દેશ આપ્યો હતો કે આરોગ્યના જોખમોને ટાળવા માટે કબૂતરોને ક્યારે અને ક્યાં નિયંત્રિત રીતે ખવડાવી શકાય તે સ્પષ્ટ કરતી ઔપચારિક નીતિ ઘડી કાઢવી જોઈએ અને કબૂતરોની વિષ્ઠા અને અન્ય કચરાના યોગ્ય વ્યવસ્થાપનની આરોગ્ય અસરો પર નિષ્ણાતો દ્વારા વૈજ્ઞાનિક અભ્યાસની જરૂરિયાત પર ભાર મૂક્યો, જેમાં સફાઈ અને નિકાલ માટે તકનીકી ઉકેલો શોધવાનો સમાવેશ થાય છે.
ફડણવીસે વધુમાં કહ્યું કે તેમણે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી સાથે પણ આ મુદ્દા પર ચર્ચા કરી છે. હાલમાં, ‘કબુતરખાનાઓ’ના મુદ્દા પર એક રિટ અરજી બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી હેઠળ છે.
આપણ વાંચો: રાજકોટમાં જૈન વિઝનની ઉમદા પહેલ, 251 વંચિત બાળકોને ફનવર્લ્ડની પિકનિક કરાવી
મુખ્ય પ્રધાને રાજ્ય સરકાર અને બીએમસીને પોતાનો પક્ષ રજૂ કરવા સૂચના આપી અને સંકેત આપ્યો કે જો જરૂર પડે તો સરકાર સુપ્રીમ કોર્ટમાં જવાનો વિચાર કરશે. તેમણે પાલિકાને સમર્પિત પક્ષીગૃહ સ્થાપવાની શક્યતા શોધવા અને તેની જાળવણીની જવાબદારી લેવા પણ જણાવ્યું હતું.
એક અધિકારીએ એવી માહિતી આપી હતી કે, દાદર કબુતરખાનામાં કબૂતરોને ખવડાવવા બદલ 51 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમની પાસેથી 22,200 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો છે.
બીએમસીએ વેસ્ટર્ન સબર્બના એચ-વેસ્ટ વોર્ડમાં દૌલત નગર (સાંતાક્રુઝ) અને બાંદ્રા તલાવ (બાંદ્રા) ખાતે કબૂતરોને ચણ નાખવા બદલ 15 વ્યક્તિઓ અને ઈસ્ટર્ન સબર્બના ટી વોર્ડમાં 13 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી છે, એમ તેમણે જણાવ્યું હતું.
શહેરમાં 44 ‘કબુતરખાના’ છે, જેમાંથી સૌથી વધુ પાંચ પશ્ર્ચિમ ઉપનગરોમાં પી-ઉત્તર અને પી-પૂર્વ વોર્ડમાં છે, ત્યારબાદ પશ્ર્ચિમ ઉપનગરોમાં કે-પશ્ચિમમાં ચાર અને દક્ષિણ મુંબઈમાં ડી વોર્ડમાં ચાર કબૂતરખાના આવેલા છે.
બોમ્બે હાઈકોર્ટે ગયા અઠવાડિયે કહ્યું હતું કે કબૂતરોના સમૂહને ખવડાવવું એ જાહેર ઉપદ્રવ પેદા કરતું કૃત્ય છે અને લોકોના સ્વાસ્થ્ય માટે પણ જોખમકારક છે અને બીએમસીને આવી પ્રવૃત્તિમાં સામેલ લોકો સામે એફઆઈઆર દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ગયા મહિનાની શરૂઆતમાં, કોર્ટે બીએમસીને મહાનગરમાં કોઈપણ જૂના વારસા ‘કબુતરખાના’ તોડી પાડવાથી રોકી હતી, પરંતુ કહ્યું હતું કે તે આ પક્ષીઓને ચણ ખવડાવવાની મંજૂરી આપી શકતી નથી.