જૈન સાધુ પર દુરાચારના આક્ષેપો પછી તેમના પર મુકાયા અનેક અંકુશો તેમને ફોનનો ઉપયોગ કરવા સામે પણ પ્રતિબંધ…
બે જૈન સાધ્વીઓ સાથેની અશ્ર્લીલ તસવીરો કયાંથી લીક થઇ એ વિશે તપાસ : જૂના ડ્રાઇવર સામે કોપર ખૈરાણે પોલીસમાં ફરિયાદ

આ તસવીરો સાચી છે કે ખોટી એ હું કહી ન શકું, કારણકે ગચ્છાધિપતિ નરદેવસાગર મહારાજે તસવીરોની સત્યતા તપાસવાના આદેશ આપ્યા છે એટલે તેઓ જ આ વિશે કહી શકે.
જૈનાચાર્ય સાગરચંદ્રસાગર મહારાજ

બિમલ મહેશ્વરી
મુંબઈ : એક સિનિયર જૈન સાધુ સામે દુરાચારના ગંભીર આક્ષેપો થતા તેમના ગુરુ મહારાજાઓએ તેમના પર અનેક અંકુશ મૂકી દીધા છે. ભૂતકાળમાં પણ આ જૈન સાધુ પર દુરાચારના આક્ષેપો થયા છે. જો કે આ વખતે તેમને કદાચ સંસારમાં પણ પાછા ધકેલી દેવામાં આવે એવી પણ અટકળો છે.
Also read : મુંબઈમાં જોખમી અને જર્જરિત ઇમારતોના પુનર્વિકાસને વેગ અપાશે: એકનાથ શિંદે
તાજેતરમાં જોધપુરની જિનશાસન રક્ષાર્થ સમિતિના અધ્યક્ષ કલ્પેશ સિંઘવીએ જૈનાચાર્ય સાગરચંદ્રસાગર મહારાજની બે જૈન સાધ્વી સાથેની અશ્લીલ તસવીરો જાહેર કરી હતી. આ તસવીરો જાહેર થતાં જૈન સમાજમાં સોપો પડી ગયો હતો અને આ દુરાચારી જૈનાચાર્યને સંસારમાં પાછા ધકેલવાની ચર્ચાએ જોર પકડયું હતું.
આ તમામ અશ્લીલ તસવીરો અલગ અલગ વીડિયો કોલના સ્ક્રીનશોટની છે. એ કેવી રીતે લીક થઈ એની ખબર નથી, પણ નવી મુંબઈના કોપર ખૈરાણે પોલીસ સ્ટેશનમાં આ જૈન સાધુના એક જૂના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ આ જૈન સાધુના એક અનુયાયીએ નોંધાવી છે અને તેનું કહેવું છે કે આ તસવીરો આ જૂના ડ્રાઈવરે લીક કરી છે.
આ તસવીરોમાં જૈનાચાર્ય સાગરચંદ્રસાગર મહારાજ બે સાધ્વીઓ સાથે અશ્ર્લીલ હરકતો કરતા દેખાય છે. સાધ્વીઓ પણ આવા ચેનચાળા કરતી દેખાય છે.
આ તમામ અશ્લીલ તસવીરો જાહેર કરનાર જોધપુરની જિનશાસન રક્ષાર્થ સમિતિના અધ્યક્ષ કલ્પેશ સિંઘવીએ આ તસવીરો તેમને ક્યાંથી પ્રાપ્ત થઈ એ કહેવાની ના પાડી દીધી હતી.
સાગરચંદ્રસાગર મહારાજની અશ્ર્લીલ તસવીરો બહાર આવતા અને જૈન સમાજમાં વ્યાપેલા આક્રોશને કારણે ગચ્છાધિપતિ નરદેવસાગર સૂરિશ્વરજી મહારાજે આ પ્રકરણમાં તપાસના આદેશ આપ્યા હતા. ત્રણ ફેબ્રુઆરીના એક લેખિત આદેશમાં તેમણે કહ્યું હતું કે અમે આ અશ્ર્લીલ તસવીરોની સત્યતા તપાસી યોગ્ય પગલાં લઈશું.
સાગરચંદ્રસાગર મહારાજનો ફોન પર સંપર્ક સાધવામાં આવતાં તેમણે કહ્યું હતું કે આ તસવીરો સાચી છે કે ખોટી એ હું કહી ન શકું, કારણ કે ગચ્છાધિપતિ નરદેવસાગર મહારાજે તસવીરોની સત્યતા તપાસવાના આદેશ આપ્યા છે એટલે તેઓ જ આ વિશે કહી શકે. મારા એક સેવકે આ ફોટા લીક કર્યા છે એ વિશે પણ મારે કંઈ કહેવું નથી. જોધપુરના જે ભાઈએ આ ફોટા જાહેર કર્યા છે તેમને પણ પૂરાવા રજૂ કરવાની વિનંતી ગચ્છાધિપતિએ કરી છે.
સાગરચંદ્રસાગરે કહ્યું હતું કે જૈન સમાજમાં જેમણે મારી સામે આક્રોશ હોય તો એ તેમની ગેરસમજ અને અજ્ઞાનતા છે. એમાં હું કંઈ કરી ન શકું. તમારી સામે ભૂતકાળમાં પણ દુરાચારના આક્ષેપો થયા છે એવા સવાલનો જવાબ આપવાનું સાગરચંદ્રસાગર મહારાજે ટાળ્યું હતું.
દરમિયાન ગચ્છાધિપતિ નરદેવસાગર સૂરિશ્વરજી મહારાજે બીજી માર્ચે એક લેખિત આદેશ બહાર પાડી સાગરચંદ્રસાગર પર અમુક મર્યાદા અંકુશ મૂકી દેવાની જાહેરાત કરી હતી.
આ આદેશમાં જણાવાયું છે કે જ્યાં સુધી સાગરચંદ્રસાગર સામે દુરાચારના આક્ષેપો પુરવાર ન થાય ત્યાં સુધી તેમણે ગુરુમહારાજાઓ સાથે જ રહેવું પડશે અને આમાં તેમને કોઈ છૂટ નહીં મળે. તેઓ પ્રવચન આપી નહીં શકે અને શિબિરોનું આયોજન પણ કરી નહીં શકે. તેમના પર આવા કોઈ કાર્યક્રમમાં હાજર રહેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમના પર ફોનના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકાયો છે.
ગચ્છાધિપતિ નરદેવસાગર સૂરિશ્વરજી મહારાજે સાગરચંદ્રસાગર પર મર્યાદા લાદવામાં આવી હોવાની વાતને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે હવે પછી સાગરચંદ્રસાગરે આચાર્ય પૂર્ણચન્દ્રસાગર મહારાજની નિગરાનીમાં રહેવું પડશે. તેમણે કહ્યું હતું કે અશ્ર્લીલ તસવીરોની સત્યતા તપાસવાની જવાબદારી અમે વકીલને સોંપી છે. દુરાચારના આક્ષેપ પુરવાર થશે તો સાગરચંદ્રસાગર મહારાજ સામે આકરાં પગલાં લેવાશે.
Also read : કોસ્ટલ રોડ પર હેલિપડે ?
અત્રે એ ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં પણ સાગરચંદ્રસાગર મહારાજ પર મુંબઈનાં ઉપનગર બોરીવલીના એક ઉપાશ્રયમાં દુરાચાર આચરવાના ગંભીર આક્ષેપો થયાં હતાં. તેમના દુરાચારનો એક નનામી પત્ર પણ બહાર પડેલો. એ વખતે આખા પ્રકરણને ભીનું સંકેલી લેવામાં આવેલું. જો કે આ વખતે તેઓ બચી નહીં શકે એવું જૈન અગ્રણીઓ માને છે