દાદર-પ્રભાદેવીથી કોસ્ટલ રોડ જવાનું સરળ બનશે: એપ્રિલમાં અંડરપાસ ખુલ્લો મુકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દાદર અને પ્રભાદેવીથી કોસ્ટલ રોડ તરફ જતા લોકોને આવતા મહિનેથી રાહત મળવાની છે. મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ દ્વારા આવતા મહિને ૫૫૦ મીટરનો વેહિકલ અંડર પાસ ખુલ્લો મૂકવામાં આવવાનો છે, તેને પગલે વાહનચાલકોને ટ્રાફિકથી વધુ રાહત મળવાની છે. વધુમાં ૭.૫ કિલોમીટર લાંબો મરીન ડ્રાઈવ પોમેનેડ જેમાં જોગિંગ ટ્રેક, સીટિંગ એરિયા અને લીલોતરીભર્યો વિસ્તાર પણ નાગરિકો માટે મે, ૨૦૨૫માં ખુલ્લો મૂકવામાં આવવાનો છે, જે પ્રિયદર્શિની પાર્કથી વરલી સુધી ફેલાયેલો હશે.
મરીન ડ્રાઈવથી બાન્દ્રા-વરલી સી લિંક સુધી ફેલાયેલો સુધરાઈનો આ મહત્ત્વાકાંક્ષી ૧૦.૫૮ કિલોમીટર લાંબો કોસ્ટલ રોડ હવે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે, જેનાથી દક્ષિણ મુંબઈથી પશ્ર્ચિમ ઉપનગર જનારા વાહનચાલકોને ટ્રાફિકથી ભારે રાહત મળી છે.
આ દરમ્યાન ખાન અબ્દુલ ગફાર ખાન રોડ નીચે એક અંડરપાસ જે.કે.કપૂર ચોકને વરલીના બિંદુમાધવ ઠાકરે ચોક ખાતે કોસ્ટલ રોડને જોડે છે, તે એપ્રિલમાં ખુલ્લો મુકાશે. શિવડી-વરલી કનેકટરથી આવતા વાહનો કોસ્ટલ રોડ દ્વારા પશ્ર્ચિમ ઉપનગર અથવા દક્ષિણ મુંબઈ તરફ ઝડપથી જવા માટે આ અંડરપાસનો ઉપયોગ કરશે. ૫૫૦ મીટર લાંબી, ૧૧ મીટર પહોળી ટનલ ફકત દાદર અને પ્રભાદેવીથી દક્ષિણ તરફ જતા વાહનો માટે હશે, જે વરલીમાં ટ્રાફિકમાં ઘટાડવામાં મદદ કરશે. અંડરપાસમાં પ્રવેશ્યા પછી વાહનો કયાં તો બાન્દ્રા તરફ જઈ શકે છે અથવા મરીન ડ્રાઈવ અથ્ાવા નરીમાન પોઈન્ટ તરફ આગળ વધી શકે છે.
પાલિકા અહીં વોકવે પર અદભુત વ્યૂંઈંગ ડેક બનાવવાની પણ યોજના બનાવી રહી છે. હાજી અલીની નજીક ડેક વોકવેથી લગભગ ત્રણ મીટર સુધી લંબાશે. તેનું કામ ક્ધસ્લટન્ટને સોંપવામાં આવ્યું છે.
હાલમાં ટાટા સન્સ લિમિટેડ તેના કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) ભંડોળ દ્વારા પ્રિયદર્શની પાર્કથી વરલી સુધીના ૪.૫૩ કિલોમીટરના પટ્ટાનુંં સુશોભીકરણનું કામ કરી રહી છે. વધુમાં પાંચ કંપનીઓએ કોસ્ટલ રોડ પર ૭૦ હેકટર ખુલ્લી જગ્યા વિકસાવવામાં રસ દર્શાવ્યો છે, જેમાં અંદાજિત ૪૦૦ કરોડ રૂપિયાના સીએસઆર રોકાણનો સમાવેશ થાય છે. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ હાલ અમે કંપનીઓની સમીક્ષા કરી રહ્યા છીએ ત્યારબાદ અંતિમ નિર્ણય લઈશું.
હાલ મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટના ભાગરૂપે ૭.૫ કિલોમીટર લાંબા મરીન ડ્રાઈવ પ્રોમેનેડનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રિયદર્શિની પાર્કથી વરલી સુધીના રસ્તાની દક્ષિણ બાજુએ દરિયાકાંઠા પાસે બાંધવામાં આવી રહેલા ૨૦ મીટર પહોળા પ્રોમોનેડથી અરબી સમુદ્રનો ભવ્ય નજારો જોઈ શકાશે.