બ્રિજ બન્યાને 6 મહિના પણ થયા નથી અને ડિમોલિશનનો આદેશ
મુંબઇઃ અંધેરીમાં 80 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારો તેલી ગલી બ્રિજનો ખર્ચ 156 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે, પરંતુ તે હજુ પણ પૂરો થયો નથી. હવે મ્યુનિસિપલ કોર્પોરેશને આ પુલનો કેટલોક ભાગ તોડી પાડવાનો આદેશ કર્યો છે. અંધેરીમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ફડકે જંકશનથી તેલી ગલી વચ્ચે આ પુલ બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજનું કામ ઓક્ટોબર 2018માં શરૂ થયું હતું. પરંતુ તે હજુ પૂર્ણ થયું નથી. તેલી ગલી પુલ જે આ જ કાર્યનો એક ભાગ છે તે અંધેરી પૂર્વમાં પશ્ચિમ એક્સપ્રેસવે અને અંધેરી પશ્ચિમમાં એસ.વી. રોડ સાથે જોડાયેલ છે. આ રોડને કારણે અંધેરી પૂર્વમાં હોટેલ રિજન્સી જંક્શન અને તેલી ગલી જંક્શન પર ટ્રાફિક જામથી નાગરિકોને રાહત મળશે. પરંતુ હવે આ વિસ્તારને લઈને મહાનગરપાલિકાએ મહત્વનો આદેશ આપ્યો છે.
મળતા અહેવાલો અનુસાર, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને કોન્ટ્રાક્ટરને અંધેરીમાં ગોખલે પુલના એક ભાગને ફરીથી બનાવવાનો આદેશ આપ્યો છે. અંધેરીમાં તેલી ગલીથી ગોખલે બ્રિજને જોડતો સેક્શન છ મહિના પહેલા બાંધવામાં આવ્યો હતો. પરંતુ હવે તેલી ગલી કનેક્ટરનો એક ભાગ ફરીથી બનાવવામાં આવનાર છે. આ અંગે પાલિકાએ કોન્ટ્રાક્ટરને સૂચના આપી દીધી છે. અધિકારીઓએ કહ્યું હતું કે અમારી પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી કારણ કે આ પુલ હજુ પૂરો થવાનો બાકી છે, તેમાં અસમાન રીતે ઢોળાવ હોવાનું જણાયું હતું. દરમિયાન, તેમણે આ અંગે મહાનગરપાલિકાની પણ ટીકા કરી છે કારણ કે આને કારણે સામાન્ય લોકોને ફરીથી હાલાકી ભોગવવી પડશે.