પેલેસ્ટાઇન ઝિંદાબાદ…પેલેસ્ટાઇન ઝિંદાબાદ…ઇઝરાયેલના વિરોધમાં ઓવૈસીએ લગાવ્યા નારા, વિડીયો વાઇરલ

મુંબઇ: ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલ યુદ્ધને કારણે દુનિયા પણ બે વિભાગોમાં વહેંચાઇ ગઇ છે. કેટલાંક દેશો ઇઝરાયેલને સમર્થન આપી રહ્યાં છે તો કેટલાંક પેલેસ્ટાઇનને. આવું જ કંઇક ભારતમાં પણ જોવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં જ એઆઇએમઆઇએમના પ્રમુખ અસદઉદ્દિન ઓવૈસી પેલેસ્ટાઇનના સમર્થનમાં નારા લગાવતા જોવા મળ્યા હતાં.
હાલમાં અસદઉદ્દીન ઓવૈસીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ પેલેસ્ટાઇન ઝિંદાબાદના નારા લગાવતા દેખાય છે. અસદઉદ્દીન ઓવૈસીના પક્ષ તરફથી પેલેસ્ટાઇનના સમર્થનમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓવૈસી ઉપરાંત અનેક મુસ્લીમ ધર્મગુરુ સામેલ થયા હતાં. હમાસ અને ઇઝરાયેલના યુદ્ધને લઇને તેઓ વારંવાર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. તેમનું કહેવું છે કે ઇઝરાયેલની સેના ગાઝામાં પર જુલમ કરી રહી છે જેને રોકવું જોઇએ
આ ઉપરાંત ઓવૈસીએ કહ્યું કે, યુદ્ધ રોકવા માટે ભારત સરકારે પ્રયાસો કરવા જોઇએ. ઇઝરાયેલ ગાઝામાં જે કરી રહ્યું છે એ નરસંહાર છે. ઓવૈસીનો આ વિડીયો સોમવારે 23મી ઓક્ટોબરની રાતે બનાવવામાં આવ્યો છે. સભામાં પેલેસ્ટાઇન ઝિંદાબાદના નારા સાથે તેના સમર્થનમાં એક પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો હતો. ઓવૈસીએ કહ્યું કે, અમે ભારત સરકારને અપીલ કરીએ છીએ કે એ મહાત્મા ગાંધીની વાતને યાદ રાખે. જે રીતે ઇંગ્લેંડ અંગ્રેજોનું છે, ફ્રાંન્સ ફ્રાસીસીઓનું એવી જ રીતે પેલેસ્ટાઇન પેલેસ્ટીનીયોનું છે.
આ સાથે ઓવૈસીએ બીજો પણ એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે, પેલેસ્ટાઇનના એ બાળકોને સલામ, જે પોતાના મા-બાપની લાશને જોઇને પણ નારા-એ-તકબીર અલ્લાહ હુ અકબરના બુલંદ નારા લગાવી રહ્યાં છે.