મુંબઇઃ નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે અને દરેક જણ માતાની સ્તુતિ અને ગરબામાં મસ્ત છે. દરમિયાન જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની વહાલી પુત્રી ઇશાના પરિવારમાં પણ નવરાત્રિની રોનક અને ઝગમગાટ જોવા મળ્યો હતો.
અંબાણી પરિવારની વાત આવે એટલે બધુ જ મોટા પાયે હોય. મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના ઘરે આ નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, રાધિકા મર્ચન્ટ અને આકાશ અંબાણીએ પણ ભાગ લીધો હતો. નવરાત્રિની ઉજવણી નિમિત્તે ઇશાના આખા ઘરને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું.
22મી ઓક્ટોબરે માતાની અષ્ટમીના દિવસે ઈશા અંબાણીના ઘરે નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન, આખા ઘરને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. હોસ્ટ ઈશા મહેમાનોનું સ્વાગત કરતી જોવા મળી હતી. આ પ્રસંગે, તેણે ગુલાબી અને નારંગી રંગના ટોનમાં બાંધણી પ્રિન્ટેડ અનારકલી પહેરી હતી., તેણે પોનીટેલ બાંધી હતી. ઇશાએ સ્ટોન અને નીલમણિ જડિત જ્વેલરી પહેરી હતી જેમાં ચોકર, નેકપીસ અને મેચિંગ ઇયરિંગ્સનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, ઈશાએ તેના આઉટફિટ સાથે રંગબેરંગી બંગડીઓ પણ પહેરી હતી.
ઇશાએ પાપારાઝી માટે પિતા સાથે પોઝ પણ આપ્યો હતો. પિતા અને પુત્રીની આ બોન્ડિંગ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. મુકેશભાઇ હળવા ગુલાબી રંગના કુર્તા સાથે હાફ ક્રીમ રંગના જેકેટમાં જોવા મળ્યા હતા. ઈશાના સસરા અજય પીરામલ પણ તેમની સાથે જોવા મળ્યા હતા, જેમણે બ્લુ કુર્તા પાયજામા પહેર્યો હતો.
આ દરમિયાન ગરબા-દાંડિયા નાઈટમાં નીતા અંબાણીનો લુક પણ ખૂબ જ લાઈમલાઈટમાં રહ્યો હતો. નવરાત્રિની ઉજવણી માટે તેમણે ડ્યુઅલ ટોનની સાડી પસંદ કરી. તેના પલ્લામાં મિરર વર્ક સાથે સોનાની ગોટા-પટ્ટીની મોટી બોર્ડર હતી. આ સાથે તેમણે લીલા રંગનું બ્લાઉઝ અને ગોલ્ડન હેન્ડબેગ કેરી કરી હતી.
આ સેલિબ્રેશનમાં અંબાણી પરિવારની ભાવિ વહુ રાધિકા મર્ચન્ટ પણ ખાસ અંદાજમાં જોવા મળી હતી. તેણે આ ઉજવણીમાં લાલ રંગની બાંધણી લહેંગા ચોલીમાં ભાગ લીધો હતો. તેની બોર્ડર પર મિરર વર્ક અને ગોટા-પટ્ટીની વિગતો હતી. તેણે લેયર્ડ નેકપીસ, મેચિંગ ઈયરિંગ્સ અને બંગડીઓ સાથે પોતાનો લુક પૂરો કર્યો. ઈવેન્ટ બાદ તે બ્લુ ડ્રેસમાં જતી જોવા મળી હતી.
આ ઉપરાંત કોકિલાબેન અંબાણી પણ ગોલ્ડન બોર્ડરવાળી ગુલાબી રંગની સાડીમાં જોવા મળ્યા હતા. બહેનના ઘરે નવરાત્રિની ઉજવણીમાં ભાઇ આકાશ અંબાણી પ્રિન્ટેડ કુર્તા અને સફેદ પાયજામા સાથે નારંગી રંગના નેહરુ જેકેટમાં જોવા મળ્યો હતો.