આમચી મુંબઈ

હાર્બર લાઈનમાં ‘બેઢંગી’ રફતાર યથાવતઃ ટ્રેન રદ કરતા પ્રવાસીઓ રખડી પડ્યા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મધ્ય રેલવેની હાર્બર લાઈનમાં અઠવાડિયાથી રોજ ટ્રેનસેવા ખોરવવાનું ચાલુ છે, તેનાથી પ્રવાસીઓની હાલાકીમાં વધારો થયા કરે છે. બુધવારે સીએસએમટીમાં ટ્રેનના ડિરેલમેન્ટ પછી આજે ફરી એક વખત ટ્રેન વડાલામાં ખોટકાતા પ્રવાસીઓ વડાલામાં અટવાયા હતા.

પનવેલ-સીએસએમટી ટ્રેનને વડાલા સ્ટેશન પર અચાનક રદ કરવામાં આવી હતી. રદ કરવા અંગે કોઈ જાહેરાત કરી નહોતી. આ અંગે નવી મુંબઈના રહેવાસી અમન પાંડેએ મુંબઈ સમાચારને જણાવ્યું હતું કે બપોરના 12.30 વાગ્યાના પનવેલ સીએસએમટી ટ્રેનને વડાલામાં રદ કરી હતી. રદ કરવામાં આવ્યા પછી કોઈ કારણ પણ આપવામાં આવ્યું નહોતું.


વડાલાથી લોકો બસ પકડવા માટે દોડાદોડી કરી મૂકી હતી. લોકો રેલવે ટ્રેક ક્રોસ કરીને પણ અન્ય ટ્રેક પર જતા હોવાથી અકસ્માતનું જોખમ પણ ઊભું થયું હતું. વાસ્તવમાં પ્રવાસીઓને પડતી હાલાકીનો પ્રશાસન આંખ આડા કાન કરી રહ્યું છે, એમ અન્ય એક પ્રવાસીએ જણાવ્યું હતું. આ મુદ્દે મધ્ય રેલવેના અધિકારીએ કહ્યું હતું કે સતત બે ડિરેલમેન્ટ પછી લોકલ ટ્રેનને રિસ્ટ્રિક્શન સ્પીડથી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સીએસએમટી સેક્શનમાં ટ્રેનની સ્પીડને કલાકના દસ કિલોમીટરની સ્પીડથી દોડાવવામાં આવી હતી, તેથી ટ્રેન અડધો કલાકથી વધુ મોડી દોડી રહી છે.

સોમવારે ડિરેલમેન્ટ પછી ક્રોસઓવર બદલવામાં આવ્યો હતો. આમ છતાં એ જ જગ્યાએ બુધવારે ખાલી ટ્રેનનું ડિરેલમેન્ટ થયું હતું. પાંચ કલાક પછી ટ્રેનસેવા સંપૂર્ણ ચાલુ કરવામાં આવી હતી. આ અંગે એન્જિનિયરિંગ અને મિકેનિકલ વિભાગ તરફથી તપાસ હાથ ધરવાના આદેશ આપ્યા છે. હાલના તબક્કે ટ્રેનોને મર્યાદિત ઝડપથી દોડાવવામાં આવી રહી છે, તેથી ટ્રેનો રેગ્યુલર ટાઈમટેબલથી મોડી દોડી રહી છે, એવો અધિકારીએ બચાવ કર્યો હતો.

ફરી એક વાર હાર્બર લાઈનમાં ટ્રેનસેવા ખોરવાઈ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button