લોકસભાની ચૂંટણી પહેલા પાલિકાના કમિશનર પદેથી ઇકબાલ સિંહ ચહલને હટાવ્યા

મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચ (ઈલેક્શન કમિશન) દ્વારા ઇકબાલ સિંહ ચહલને મુંબઈ મહાપાલિકા (BMC)ના કમિશનર તરીકેના પદ પરથી હટાવવાની કાર્યવાહી કરી છે.
મહારાષ્ટ્ર કૈડરના 1989ની બેચના ઇકબાલ સિંહ ચહલની આઇએએસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ચહલે તેમની કારકિર્દીમાં મહારાષ્ટ્ર સરકાર સાથે રાષ્ટ્રીયસ્તરે પણ અનેક જગ્યાએ મહત્ત્વની કામગીરી કરી હતી.
આજે ચૂંટણી પંચ દ્વારા પાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલ અને નાયબ કમિશનરની બદલી કરવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણી પંચે ત્રણ વર્ષ પૂરા કરે અથવા ગૃહ જિલ્લામાં રહેલા અને મહારાષ્ટ્ર સરકારના ચૂંટણી સંબંધિત કામોમાં જોડાયેલા મહાપાલિકાના અધિકારીઓની બદલી કરવાનો આદેશ આપ્યો હતો.
છેલ્લા કેટલાક વર્ષોથી મુંબઈ મહાપાલિકાના કમિશનર તરીકેને ફરજ બજાવતા ઇકબાલસિંહ ચહલ ચાર વર્ષ સુધી થાણે અને ઔરંગાબાદના કલેક્ટર તેમ જ મ્હાડાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.
2021માં ઇકબાલસિંહ ચહલને ન્યૂઝમેકર્સ અચિવર્સ એવોર્ડથી પણ સન્માનીત કરવામાં આવ્યા હતા. ઇકબાલ સિંહ ચહલને તેમના અનેક ઉત્તમ પ્રયાસો માટે સન્માનીત કરવામાં આવ્યા હતા અને કોરોના મહામારીના સમયમાં મુંબઈનું નેતૃત્વ કરી અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે તેઓ ચર્ચામાં રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આજે કેન્દ્રીય ચૂંટણી પંચે છ રાજ્યના સચિવને હટાવ્યા હતા, જેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડનો સમાવેશ થાય છે. ઉપરાંત, મિઝોરમ અને હિમાચલ પ્રદેશમાં વહીવટી વિભાગના સચિવોને પણ હટાવવામાં આવ્યા હતા.