આમચી મુંબઈ

આઇપીએસ ઓફિસર રશ્મી કરંદીકરના પતિની રૂ. 24 કરોડની છેતરપિંડીના કેસમાં ધરપકડ

મુંબઈ: મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગે (ઇઓડબ્લ્યુ) મહારાષ્ટ્ર પોલીસ સાથે જોડાયેલાં આઇપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) ઓફિસર રશ્મી કરંદીકરના પતિ પુરુષોત્તમ ચવ્હાણની 24 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં મંગળવારે ધરપકડ કરી હતી.

ઇઓડબ્લ્યુએ માર્ચ, 2015થી એપ્રિલ, 2024 દરમિયાન થયેલા કથિત ગુનાઓ માટે ફેબ્રુઆરીમાં ચવ્હાણ સામે બે કેસ દાખલ કર્યા હતા.

ઇઓડબ્લ્યુના અધિકારીએ જણાવ્યું હતું કે ચવ્હાણની પહેલા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ચવ્હાણ અને અન્ય 11 લોકો પર આરોપ છે કે તેમણે સરકારમાં પોતાના પ્રભાવનો ઉપયોગ કરી મુંબઈ, પુણે અને થાણેમાં સરકારી ક્વોટાના ફ્લેટ સસ્તા દરે અપાવવાને બહાને 20 વ્યક્તિ સાથે 24.78 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.

આ પણ વાંચો: સાયબર ક્રાઇમ પર પોલીસનો સકંજો: 15 દિવસમાં 12 કેસ ઉકેલાયા, કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ

મે, 2024માં 263 કરોડ રૂપિયાના ઇન્કમ ટેક્સ રિફંડ (આઇટીઆર) ફ્રોડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા ચવ્હાણની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી ચવ્હાણ અદાલતી કસ્ટડીમાં છે.

બીજા એફઆઇઆરમાં ચવ્હાણે સુરત સ્થિત બિઝનેસમેન અને અન્યો સાથે 7.42 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. સરકારી ક્વોટામાંથી રાહત દરે પ્લોટ મેળવી આપવાને નામે ચવ્હાણે વેપારી પાસેથી રૂપિયા સ્વીકાર્યા હતા. ઉપરાંત નાશિકમાં મહારાષ્ટ્ર પોલીસ એકેડમીમાં ટી-શર્ટ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મેળવવામાં મદદ કરવાનો વેપારીને તેણે દાવો કર્યો હતો. જોકે તેણે ક્યારેય પોતાનાં વચન પૂરાં કર્યા નહોતાં. એ સિવાય ગુજરાત પોલીસે ગયા મહિને છેતરપિંડીના કેસમાં ચવ્હાણની ધરપકડ કરી હતી.

અગાઉ ચવ્હાણનાં પત્ની અને આઇપીએસ ઓફિસર રશ્મી કરંદીકરની ઇઓડબ્લ્યુએ પૂછપરછ કરી હતી. ઇઓડબ્લ્યુના અધિકારીઓએ ચવ્હાણના ખાનગી બૅંકના ખાતામાંથી કથિત રીતે મળેલા ત્રણ કરોડ રૂપિયાની વિગતો અંગે કરંદીકરની પૂછપરછ કરી હતી. અત્યાર સુધી આ કેસમાં કરંદીકરનું નામ આરોપી તરીકે આપવામાં આવ્યું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button