આઈપીએસ અધિકારી કરંદીકરે પતિ પાસેથી મળેલા 2.64 કરોડ રૂપિયાની માહિતી ન આપી: પોલીસ | મુંબઈ સમાચાર

આઈપીએસ અધિકારી કરંદીકરે પતિ પાસેથી મળેલા 2.64 કરોડ રૂપિયાની માહિતી ન આપી: પોલીસ

મુંબઈ: આઈપીએસ અધિકારી રશ્મી કરંદીકરે તેના બૅન્ક એકાઉન્ટમાં અલગ થઈ ગયેલા પતિ પુરુષોત્તમ ચવાણ પાસેથી 2.64 કરોડ રૂપિયા મળ્યા હોવાની માહિતી આપી નથી, એવું જણાવીને આર્થિક ગુના શાખાના અધિકારીએ કહ્યું હતું કે ચવાણ ઈન્કમ ટૅક્સ રિફન્ડ અને છેતરપિંડીના કેસોમાં આરોપી છે.

આર્થિક ગુના શાખાને તપાસ દરમિયાન ચવાણ અને કરંદીકરના બૅન્ક ખાતાંમાં શંકાસ્પદ વ્યવહારો જોવા મળ્યા હતા.
આ બાબતે વધુ માહિતી મેળવવા આર્થિક ગુના શાખા દ્વારા ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (ડીજીપી)ને પત્ર લખીને વર્ષ 2017-2018 માટે કરંદીકરે જાહેર કરેલી વાર્ષિક આવકની વિગતો માગવામાં આવી હતી.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં આઈપીએસ અધિકારીઓની બદલી

અધિકારીના જણાવ્યા મુજબ પોતાની સંપત્તિ જાહેર કરતી વખતે કરંદીકરે જે દસ્તાવેજો રજૂ કર્યા હતા તેનું વિશ્ર્લેષણ આર્થિક ગુના શાખાના અધિકારીઓએ કર્યું હતું. દસ્તાવેજો પરથી એવું જાણવા મળ્યું હતું કે ચવાણે કરંદીકરના બૅન્ક ખાતામાં 2.64 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, જે તેણે જાહેર કર્યા નહોતા.

કરંદીકરે 2.64 કરોડ રૂપિયાનું ઈન્ટ્રા-ડે શૅર ટ્રેડિંગમાં રોકાણ કર્યું હતું, પરંતુ તેને નુકસાન થયું હતું.
હાલમાં સિવિલ ડિફેન્સ અને હોમ ગાર્ડનાં એસપી/એડ્મિનિસ્ટ્રેશન તરીકે ફરજ બજાવતી કરંદીકરની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે દાવો કર્યો હતો કે તેના બૅન્ક ખાતાંનો વહીવટ પતિ સંભાળે છે.

આ પણ વાંચો: ભારતની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કિરણ બેદી

ચવાણ વિરુદ્ધ 263 કરોડ રૂપિયાની ઈન્કમ ટૅક્સ રિફન્ડ ફ્રોડ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેના મહિનાઓ પછી અનેક નાગરિકો સાથે 32 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં આર્થિક ગુના શાખાએ ચવાણની ધરપકડ કરી હતી.

(પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button