શૅર ટ્રેડિંગ ફ્રોડમાં રોકાણકારોએ ગુમાવ્યા 1.23 કરોડ રૂપિયા: ત્રિપુટી વિરુદ્ધ ગુનો

થાણે: થાણે જિલ્લામાં શૅર ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 60 વર્ષના વૃદ્ધ સહિત નવ જણ સાથે 1.23 કરોડની છેતરપિંડી આચરવા પ્રકરણે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરાચો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે ત્રણ આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા અને મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (એમપીઆઇડી) એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ નવેમ્બર, 2023થી માર્ચ, 2025 દરમિયાન આ છેતરપિંડી આચરવામાં આવી હતી.
આરોપીઓમાં અનિકેત મુઝુમદાર (35), સંદેશ જોશી (43) અને સંકેત જોશી (36) નો સમાવેશ હોઇ તેઓ ડોંબિવલીના રહેવાસી છે. આરોપીઓએ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી ફર્મ શરૂ કરી હતી અને તાલીમ સત્રોનું પણ આયોજન કર્યું હતું.
આપણ વાંચો: રોકાણકારો સાથે દોઢ કરોડની છેતરપિંડી: ત્રણ વિરુદ્ધ ગુનો
બાદમાં ત્રણેય જણે શૅર ટ્રેડિંગમાં વ્યૂહાત્મક રોકાણ પર આકર્ષક અને ખાતરીદાયક વળતરનું વચન રોકાણકારોને આપ્યું હતું.
આરોપીઓએ પોતે આ ક્ષેત્રમાં નિષ્ણાત હોવાનું જણાવ્યું હતું અને વિધિસર તાલીમ આપી તથા વ્યાવસાયિક સલાહ આપીને રોકાણકારોનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો.
રોકાણકારોએ ત્યાર બાદ 1.23 કરોડ રૂપિયા રોક્યા હતા, પણ તેમને વળતર આપવામાં આવ્યું નહોતું. રોકાણકારોએ વળતર અથવા રોકેલી રકમ પાછી માગી હતી, પણ આરોપીઓ તેમને ઉડાઉ જવાબ આપવા લાગ્યા હતા અને બાદમાં તેમના કૉલ લેવાના બંધ કરી દીદા હતા.
પોતે છેતરાયા હોવાનું ધ્યાનમાં આવતાં રોકાણકારોએ પોલીસનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી. અત્યાર સુધી 1.23 કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ હોવાનું સામે આવ્યું છે. જોકે રોકાણકારો અને રકમનો આંક વધી શકે છે, એમ પોલીસે કહ્યું હતું. (પીટીઆઇ)