પાસવર્ડના દુરુપયોગના આરોપોની તપાસઃ ઠાકરે જૂથ સામે શિંદે જૂથની ફરિયાદ | મુંબઈ સમાચાર

પાસવર્ડના દુરુપયોગના આરોપોની તપાસઃ ઠાકરે જૂથ સામે શિંદે જૂથની ફરિયાદ

મુંબઈ: મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જૂથ જ અસલી શિવસેના છે, એમ ચૂંટણી પંચ અને વિધાનસભા અધ્યક્ષ દ્વારા નક્કી કરાયા પછી પણ ઠાકરે જૂથ આવકવેરા વિભાગ, ટીડીએસ લોગ-ઈન આઈડી અને પાસવર્ડનો દુરુપયોગ કરતા હોવાની ફરિયાદ શિંદે જૂથે મુંબઈ પોલીસને કરી હતી.

આ મામલે મુંબઈ પોલીસની નાણાકીય ગુના શાખાએ પ્રાથમિક તપાસ શરૂ કરી છે. આ લોગ-ઈન દ્વારા કોની પાસેથી રકમ ચૂકવવામાં આવી હતી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

એકનાથ શિંદેના વિદ્રોહ પછી શિવસેના પક્ષ અને તેના પ્રતીકને લઈને વિવાદ થયો હતો. જોકે, બાદમાં કેન્દ્રીય ચૂંટણી પંચે શિંદેને શિવસેનાનું નામ અને પક્ષનું પ્રતીક ધરાવતું ધનુષ્ય સોંપ્યું હતું. તેના પછી વિધાનસભાના અધ્યક્ષે વિધાનસભ્યના અપાત્રતાના કેસમાં એકનાથ શિંદેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

શિંદે ગ્રુપના કિરણ પાવસ્કર, ટ્રેઝરર બાલાજી કિનીકર અને સેક્રેટરી સંજય મોરે ૩૦ જાન્યુઆરીએ મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકરને મળ્યા હતા અને ફરિયાદ કરી હતી કે ઠાકરે જૂથ આવકવેરા વિભાગના લોગિન અને પાસવર્ડનો દુરુપયોગ કરી રહ્યું છે.

આ ફરિયાદ બાદ શિંદે જૂથ દ્વારા આ મામલે કેસ નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. એક વરિષ્ઠ અધિકારીએ આ મામલાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે આ મામલે ટેકનિકલ તપાસ જરૂરી હોવાથી સાયબર પોલીસની મદદ લેવામાં આવશે.

Back to top button