ઑનલાઇન ગેમિંગ ફ્રોડની તપાસ:
નાગપુરમાં પોલીસે રેઇડ પાડતાં રૂ. ૧૧.૮૦ કરોડના હવાલા ટ્રાન્ઝેકશન્સ બહાર આવ્યાં
નાગપુર: ઑનલાઇન ગેમિંગ ફ્રોડની તપાસ સંદર્ભે નાગપુરમાં એક વ્યક્તિના ઘરે દરોડા પાડવામાં આવતાં રૂ. ૧૧.૮૦ કરોડના હવાલા ટ્રાન્ઝેક્શન્સ બહાર આવ્યાં હતાં.
નાગપુરના વેપારી સાથે રૂ. ૫૮ કરોડની છેતરપિંડી આચરવામાં આવતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસમાં સોંતુ જૈનનું નામ સામે આવ્યું હતું.
પોલીસે ત્યાર બાદ શાંતિનગર વિસ્તારમાં અન્વેશ ઉર્ફે અવકાશ જૈનના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા અને દસ્તાવેજો જપ્ત કર્યા હતા. આ દસ્તાવેજો પરથી અવકાશ અને ગોંદિયાના રહેવાસી સોંતુ જૈન વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષમાં રૂ. ૧૧.૮૦ કરોડના હવાલા ટ્રાન્ઝેકશન્સ થયા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
૨૨ જુલાઇએ સોંતુ જૈનના નિવાસે રેઇડ પાડવામાં આવતાં ૧૭ કરોડની રોકડ, ૧૪ કિલો સોનું, ૨૯૪ કિલો ચાંદી મળીને રૂ. ૨૭ કરોડની મતા મળી આવી હતી.
બાદમાં ૨ ઑગસ્ટે ફરી તેના નિવાસે રેઇડ પાડીને ૮૫ લાખની રોકડ અને રૂ. ૪.૫ કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.
દરમિયાન વેપારીને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ધમકી આપવા સંબંધે ગણેશપેઠ પોલીસે ૨ સપ્ટેમ્બરે સોંતુ જૈન અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
નાગપુરના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે પોલીસ તપાસમાં અવરોધ ઊભો કરવામાં આવશે તો તેને સહન નહીં કરાશે. તેમની સંડોવણી છે તેમની સામે કઠોર પગલાં લેવામાં આવશે. (પીટીઆઇ)