ઇન્ટરનેટનો સૌથી મોટો ડેટા લીક: 16 અબજથી વધુ પાસવર્ડ ચોરાયા, તરત જ આ કામ કરો!

મુંબઈ: ઈન્ટરનેટ ક્રાંતિને કારણે લગભગ દરેક વ્યક્તિ સુધી ઈન્ટરનેટ પહોંચ્યું છે. આધુનિક યુગને ‘ડેટા યુગ’ કહેવામાં આવે છે. આ સાથે ડેટા લીક થવાની ચિંતા પણ સતત વધી રહી છે. એવામાં એક મેજર ડેટા બ્રીચ થયું હોવાના અહેવાલો પ્રકાશિત થયા છે. એહવાલ મુજબ 16 અબજથી વધુ લોગિન ક્રેડેન્શિયલ લીક થઇ ગયા છે. જેની ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ અને એપલના યુઝર્સને અસર થઇ શકે છે. નિષ્ણાતો આ ડેટા બ્રીચને ઇન્ટરનેટ ઇતિહાસનો સૌથી મોટો ડેટા બ્રીચ ગણાવી રહ્યા છે.
કઈ રીતે થયો ડેટા લીક:
અહેવાલ મુજબ વર્ષોની તૈયારી બાદ આ ડેટા બ્રીચને અંજામ આપવામાં આવ્યો હતો. આ કોઈ સાઈબર અટેક ન હતો, તેના માટે કોઈ ફાયરવોલ બ્રેક કરવામાં નથી આવી, કોઈ ઝિરો-ડે ખામીઓ ઓપન કવામાં આવી ન હતી, તેના બદલે એક ધીમી પ્રક્રિયાથી આ ડેટા ચોરી કરવામાં આવ્યો, જેનાં માટે વર્ષો લાગ્યા હતા. ઇન્ફોસ્ટીલર માલવેરનો ઉપયોગ કરીને ડેટા ચૂપચાપ એકઠો કરવામાં આવ્યો. કોઈને ખબર પડ્યા વગર ચૂપચાપ લોગિન આઈડી અને પાસવર્ડ ચોરી કરવામાં આવ્યા.
કરોડો લોકોને થઇ શકે છે અસર:
ચોરી થયેલા ડેટાસેટમાં યુઝરનેમ, પાસવર્ડ, ઓથેન્ટિકેશન ટોકન્સ, સેશન કૂકીઝ અને પર્સનલ યુઝર્સ અને પ્લેટફોર્મ પર મેટાડેટા સંબંધિત ડેટાનો સમાવેશ થાય છે.અહેવાલ મુજબ, જેમની પાસે મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન નથી એવી પ્લેટફોર્મ માટે આ ડેટા બ્રીચ ખતરનાક સાબિત થઇ શકે છે. જો તમે હજુ પણ જુના પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યા છો અથવા વધારાના સુરક્ષા સ્ટેપનું પાલન નથી કરી રહ્યા, તો તમે ગંભીર મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

CERT-Inએ એડવાઈઝરી જાહેર કરી:
આ મોટા ડેટા લીક જાણ થયા બાદ ભારતની સાયબર સુરક્ષા એજન્સી કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ તાત્કાલિક એડવાઈઝરી જાહેર કરી છે. જે મુજબ Apple, Google, Facebook, Telegram, GitHub અને ઘણી VPN સર્વિસ પરથી એકત્રિત કરવામાં આવેલી સંવેદનશીલ માહિતીના મોટા પાયે લીક થઇ છે.
કોઈ પણ જોખમ ટાળવા માટે, CERT-In એ બધા યુઝર્સને તાત્કાલિક પાસવર્ડ અપડેટ કરવાની સલાહ આપી, ખાસ કરીને બેંકિંગ, સોશિયલ મીડિયા અને સરકારી પોર્ટલ પ્લેટફોર્મ પર. આ ઉપરાંત એજન્સીએ વધુ સુરક્ષા માટે મલ્ટિ-ફેક્ટર ઓથેન્ટિકેશન શરુ કરવા, ફિશિંગ પ્રયાસો પ્રત્યે સતર્ક રહેવા અને સુરક્ષિત ક્રેડેન્શિયલ જનરેટ કરવા અને વિશ્વસનીય પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરવાની પણ ભલામણ કરી છે.