ઇન્ટરનેશનલ સ્કૂલે સાયબર ફ્રોડમાં ગુમાવેલા રૂ. 82 લાખ પોલીસે પાછા મેળવ્યા
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં આવેલા પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ સ્કૂલે સાયબર ફ્રોડમાં ગુમાવેલા રૂ. 87 લાખમાંથી રૂ. 82.55 લાખ પાછા મેળવવામાં સાયબર પોલીસને સફળતા મળી હતી.
23 ફેબ્રુઆરીથી 16 માર્ચ, 2024 દરમિયાન સ્કૂલ દ્વારા કેફેટેરિયાના બાંધકામ માટે સામગ્રી પૂરી પાડવા માટે યુએઇ સ્થિત યુરો ફોન એકોસ્ટિક્સ કંપની સાથે કરાર કરાયા હતા. કંપનીએ પોતાના ખાતામાં એ કામના ખર્ચમાંની અડધી રકમ ચૂકવી દેવી પડશે, એવું જણાવ્યું હતું. આ માટે કંપનીએ તેના ઇમેઇલ આઇડી પરથી યુએઇની બેન્કની વિગતો આપી હતી.
જોકે સાયબર ઠગોએ કંપની જેવી જ આબેહૂબ ઇમેઇલ આઇડી બનાવીને સ્કૂલને ઇમેઇલ કર્યો હતો અને યુએસએની બેન્કની વિગતો મોકલી હતી અને સ્કૂલ સાથે રૂ. 87.26 લાખની છેતરપિંડી આછરી હતી, જેને પગલે સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
સાયબર પોલીસે તાત્કાલિક સંબંધિત બેન્કના નોડલ ઓફિસરનો સંપર્ક સાધ્યો હતો અને બાદમાં રૂ. 82.55 લાખ સ્કૂલના બેન્ક ખાતામાં પાછા મેળવવામાં સફળતા મેળવી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આવી છેતરપિંડીને મેન ઇન ધ મિડલ એટેક તરીકે ઓળખવામાં આવે છે. આવી છેતરપિંડી રોકવા કંપનીની કમ્પ્યુટર પ્રણાલીને એડવાન્સ્ડ ટેક્નોલોજીથી સમયાંતરે પ્રોટેક્ટ અને અપડેટ કરવી જોઇએ. જે કંપની સાથે વ્યવહાર કરવાનો હોય તેની યોગ્યતા અને પાત્રતા બરોબર તપાસી લેવી જોઇએ.