ઈન્ટરનૅશનલ ડ્રગ્સ રૅકેટનો પર્દાફાશ: 3 કરોડના એમ્ફેટામાઈન અને ટૅબ્લેટ્સ જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ભારતથી ઑસ્ટ્રેલિયામાં ફાર્મા ડ્રગ્સની ગેરકાયદે તસ્કરીના ઈન્ટરનૅશનલ નેટવર્કનો પર્દાફાશ કરી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. સ્ટીલના ટેબલમાં પોલાણ તૈયાર કરી ઑસ્ટ્રેલિયામાં મોકલાઈ રહેલા એમ્ફેટામાઈન સહિત અન્ય ટૅબ્લેટ્સ મળી અંદાજે ત્રણ કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય કુરિયર દ્વારા ઑસ્ટ્રેલિયામાં એક શંકાસ્પદ ક્ધસાઈન્મેન્ટ મોકલવામાં આવી રહ્યું હોવાની માહિતી એનસીબીને મળી હતી. માહિતીને આધારે ડેટા એનાલિસીસથી અધિકારીઓએ કુરિયર કંપનીમાંના પાર્સલને ઓળખી કાઢ્યું હતું. જોકે પાર્સલ ખોલવામાં આવતાં તેમાંથી સ્ટીલ ટેબલ ફર્નિચર મળી આવ્યું હતું.
પ્રથમદર્શી ટેબલને જોતાં શંકાસ્પદ જેવું કંઈ જણાતું નહોતું. જોકે બારીકાઈથી નિરીક્ષણ કરતાં ખાસ પ્રકારે બનાવવામાં આવેલા ટેબલમાં પોલાણ તૈયાર કરાયું હોવાનું જણાયું હતું. આ પોલાણમાંથી સફેદ પાઉડરનાં પાઉચ મળી આવ્યાં હતાં. તપાસ કરતાં પાઉચમાં 9.877 કિલો એમ્ફેટામાઈન હોવાનું અધિકારીઓને જાણવા મળ્યું હતું.
એનસીબીએ પાર્સલ તાબામાં લઈ તપાસ દરમિયાન મંગળવારે વી. સિંહની ધરપકડ કરી હતી. પૂછપરછમાં ડ્રગ્સ રૅકેટમાં પોતાની સંડોવણી કબૂલ કરનારા સિંહે તેના બે સાથીનાં નામ આપ્યાં હતાં. માહિતીને આધારે બુધવારે મુંબઈથી સિંહના બે સાથી જી. મિશ્રા અને પી. શર્માને પકડી પાડવામાં આવ્યા હતા. બન્ને આરોપીની પૂછપરછ પછી તેમના સંકુલમાંથી ફાર્માસ્યુટિકલ ડ્રગ્સનું મોટું ક્ધસાઈન્મેન્ટ જપ્ત કરાયું હતું, જે વિદેશમાં ડિસ્પેચ માટે તૈયાર હતું. ક્ધસાઈન્મેન્ટમાંથી 9,800 ટોલ્પિડેમ ટાર્ટેરેટ ટૅબ્લેટ્સ અને 18,700 ટ્રામાડોલ ટૅબ્લેટ્સ મળી આવી હતી.
આરોપીની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તે આંતરરાષ્ટ્રીય પાર્સલની તસ્કરીની પદ્ધતિથી સારી રીતે જાણકાર હતા. ભૂતકાળમાં પણ તેમણે મોટા પાયે તસ્કરી કરી હોવાનું કહેવાય છે. આ તસ્કરો છેલ્લાં બે-ત્રણ વર્ષથી સક્રિય હતા અને ડ્રગ્સના ક્ધસાઈન્મેન્ટ વિદેશ મોકલવા માટે દસ્તાવેજોનો દુરુપયોગ કરતા હતા. આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે, એમ એનસીબીના અધિકારીએ જણાવ્યું હતું.