પ્રેમભંગ યુવક-યુવતીને ઈન્સ્ટાગ્રામ પરથી ટાર્ગેટ કરી છેતરનારા રાજસ્થાનમાં પકડાયા...

પ્રેમભંગ યુવક-યુવતીને ઈન્સ્ટાગ્રામ પરથી ટાર્ગેટ કરી છેતરનારા રાજસ્થાનમાં પકડાયા…

24 કલાકમાં પ્રેમીને પામવાની ખાતરી આપી આરોપી વિધિ કરવાને બહાને નાણાં અને સોનું પડાવતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: સોશ્યલ મીડિયા ઈન્સ્ટાગ્રામના માધ્યમથી પ્રેમભંગ યુવક-યુવતીને ટાર્ગેટ કરીને કથિત છેતરપિંડી કરનારી ટોળકીના બે જણને રાજસ્થાનમાં પકડી પાડવામાં આવ્યા હતા. પોતાને મૌલવી તરીકે ઓળખાવનારા આરોપી 24 કલાકમાં પ્રેમીને પામવાની ખાતરી આપી વિધિ કરવાને બહાને રોકડ અને સોનું પડાવતા હતા.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-2ના અધિકારીઓએ ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ વિકાસ મનોજકુમાર મેઘવાળ (22) અને મનોજ શ્યામસુંદર નાગપાલ (30) તરીકે થઈ હતી. બન્ને આરોપી રાજસ્થાનના ગંગાનગર ખાતેના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

દક્ષિણ મુંબઈમાં રહેતી મહિલાએ ઘરમાંથી 129 ગ્રામ સોનાના દાગીના અને રોકડ મળી અંદાજે 16.18 લાખ રૂપિયાની મતા ચોરાઈ હોવાની ફરિયાદ પાયધુની પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. અધખુલ્લા દરવાજામાંથી ઘરમાં પ્રવેશી અજાણ્યા શખસે હાથફેરો કર્યો હોવાની શંકા ફરિયાદમાં વ્યક્ત કરાઈ હતી. આ પ્રકરણે પાયધુની પોલીસે ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ફરિયાદીની પુત્રીને એક યુવક સાથે અફૅર હતું, પરંતુ પરિવારજનોએ આ સંબંધનો વિરોધ કર્યો હતો. મુલાકાત અને વાતચીત બંધ થતાં ફરિયાદીની પુત્રી હતાશ થઈ ગઈ હતી.
આ સમય દરમિયાન યુવતીને ઈન્સ્ટાગ્રામ પર સર્ચ કરતી વખતે ‘ઈરફાન ખાનજી’ નામના ઈન્સ્ટાપેજ પર અમુક પોસ્ટ દેખાઈ હતી.

‘ગુમાવેલો પ્યાર 24 કલાકમાં પાછો મળશે… લૉસ્ટ લવ બૅક… અધૂરાને પ્રેમને પૂર્ણપણે મેળવવાના માર્ગ…’ આવા પ્રકારના દાવા પોસ્ટમાં કરાયા હતા. છેતરાયેલી યુવતીએ સંપર્ક માટે પોતાનો મોબાઈલ નંબર સંબંધિત ઈન્સ્ટાપેજ પર મોકલાવ્યો હતો.

અધિકારીના જણાવ્યા મુજબ આરોપીએ મૌલવીના સ્વાંગમાં યુવતીનો સંપર્ક સાધ્યો હતો. પ્રેમની આડે આવતાં વિઘ્નો દૂર કરવા માટે ખાસ પ્રકારની વિધિ કરવી પડશે. આ માટે ચાંદીનો કુંભ, સોનાનો દીવો, સોનાના ખીલા સહિતની વસ્તુઓની જરૂર પડશે, એવું કહીને આરોપીએ યુવતીને ઑનલાઈન ટ્રાન્ઝેક્શનથી નાણાં ટ્રાન્સફર કરવાની ફરજ પાડી હતી.

એ સિવાય વિધિ માટે જરૂરી સામાનની ખરીદી માટે યુવતીએ ઘરમાંના સોનાના દાગીના આરોપીને આપ્યા હતા. દાગીના લેવા આરોપી મુંબઈ આવ્યો હતો. ઑનલાઈન ટ્રાન્ઝેક્શનની વિગતોને આધારે આરોપી રાજસ્થાનમાં હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ રાજસ્થાન પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી ગંગાનગરમાંથી બન્નેને તાબામાં લીધા હતા.

તેમની પાસેથી 13 લાખ રૂપિયાનું સોનું અને 18 હજારની રોકડ જપ્ત કરવામાં આવી હતી. આરોપીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની તપાસ કરતાં હરિયાણા, દિલ્હી અને અન્ય રાજ્યોનાં યુવક-યુવતીને આ રીતે છેતરવામાં આવ્યાં હોવાનું જણાયું હતું, એવું અધિકારીનું કહેવું છે.

આ પણ વાંચો…પ્રેમિકાની હત્યા પછી આત્મહત્યાનો પ્રયાસ: પ્રેમીનો નિર્દોષ છુટકારો…

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button