બાન્દ્રા અને ગેટવે ઑફ ઈન્ડિયા પાસે બૉમ્બ બ્લાસ્ટની માહિતીથી તંત્ર સાબદું

મુંબઈ: પુણેના શિવાજી નગર અને પિંપરી-ચિંચવડ સહિત મુંબઈના બાન્દ્રા અને ગેટવે ઑફ ઈન્ડિયા પાસે બૉમ્બ બ્લાસ્ટ થવાના હોવાની માહિતી પોલીસ કંટ્રોલ રૂમને મળતાં તંત્ર સાબદું થઈ ગયું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ બૉમ્બધડાકા સંદર્ભેની માહિતી આપતો ફોન પુણે પોલીસના કંટ્રોલ રૂમને શુક્રવારની બપોરે આવ્યો હતો. કૉલ કરનારા શખસે શિવાજી નગર, પિંપરી-ચિંચવડ, બાન્દ્રા અને ગેટવે ઑફ ઈન્ડિયા ખાતે સાંજે પાંચ વાગ્યાની આસપાસ બૉમ્બ ધડાકા થશે, એવી માહિતી આપી હતી.
કંટ્રોલ રૂમને કૉલ આવતાં જ પુણે પોલીસે તાત્કાલિક મુંબઈ પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સંબંધિત પરિસરોમાં તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ, પુણે પોલીસ પણ તપાસમાં લાગી હતી. જોકે કોઈ પણ સ્થળે શંકાસ્પદ જેવી કોઈ વસ્તુ હાથ લાગી નહોતી. બૉમ્બ બ્લાસ્ટની માહિતી ખોટી હોવાનું જણાતાં પોલીસે રાહતનો શ્ર્વાસ લીધો હતો. જોકે બાન્દ્રા અને ગેટવે ઑફ ઈન્ડિયા ખાતે સુરક્ષાવ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં બૉમ્બ બ્લાસ્ટ અને આતંકવાદીઓ સંબંધી માહિતી આપનારા લગભગ 100થી વધુ કૉલ મુંબઈ પોલીસને આવ્યા હતા. કંટ્રોલ રૂમને મિસ કૉલ આવવાની સંખ્યા પર નાનીસૂની નથી. મિસ કૉલ ક્યાંથી આવ્યો તેની તપાસ કરવામાં પણ પોલીસે સમય વેડફવો પડતો હોય છે.