મહારાષ્ટ્રમાં ઈન્ફ્લુએન્ઝાના કેસમાં વધારો, મુંબઈમાં 770થી વધુ દર્દી
મુંબઈ: રાજ્યમાં આ વર્ષે ઇન્ફ્લુએન્ઝા-એના દર્દીઓ વધ્યા છે. કુલ 57 દર્દીનું આ બીમારીને કારણે મૃત્યુ થયું છે. રાજ્યમાં 2,325 દર્દી મળી આવ્યા હોઇ સૌથી વધુ 779 દર્દી મુંબઈના હોવાની માહિતી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે.
પહેલી જાન્યુઆરીથી 21મી નવેમ્બર સુધીના ઇન્ફ્લુએન્ઝાની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં એમએમઆરમાં આ બીમારીના દર્દીઓ મળી આવ્યા હતા. ઇન્ફ્લુએન્ઝાને ડામવા માટે આરોગ્ય વિભાગ દ્વારા પગલાં લેવાઇ રહ્યા છે. વધુ ગંભીર વ્યક્તિ માટે સંબંધિત રસી મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હાલમાં સગર્ભાઓ, હાઇ બ્લડપ્રેશરવાળી વ્યક્તિઓ તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓને આ રસી આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો :Viral Video: મુંબઈમાં વધુ એક બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ, સિલિન્ડર વિસ્ફોટ
ઇન્ફ્લુએન્ઝાના લક્ષણોમાં ગળામાં દુખાવો, સોજો ચઢવો, તાવ આવવો, શરીરમાં દુખાવો, ઊલટી-જુલાબ થવા વગેરેનો સમાવેશ થાય છે. જો તાવ 98 ડિગ્રીથી વધુ હોય તો તાત્કાલિક તપાસ કરાવવી જરૂરી છે.
ઇન્ફ્લુએન્ઝાથી બચવા માટે રોગ પ્રતિકારાત્મક શક્તિ વધારવી જરૂરી છે. સંતુલિત આહાર લો અને વ્યાયામ કરો. આહારમાં લીંબુ, આંબળા, મોસંબી, લીલી શાકભાજી વગેરેનો સમાવેશ કરવો. ભરપૂર પાણી પીઓ. રોગના લક્ષ્ણો જણાતા તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવાનું જરુરી રહેશે.