આમચી મુંબઈ

પાઈલટ મોડો પડતા ઈન્ડિગોની ફ્લાઈટ 3 કલાક લેટ: મુસાફરોનો રોષ, સોશિયલ મીડિયા પર હોબાળો

મુંબઈ-રાજકોટ ફ્લાઈટ 6E 6133ના મુસાફરે X પર વ્યક્ત કરી નારાજગી; ઈન્ડિગોએ માફી માંગી રિફંડ આપ્યું

મુંબઈઃ એર ઈન્ડિયાનું સર્વર ડાઉન થવાના અહેવાલ વચ્ચે ઈન્ડિગોની ફ્લાઈટ પણ મોડી થવાને કારણે પ્રવાસીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. મુંબઈથી રાજકોટ જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E 6133ના મુસાફરે કેપ્ટનને મોડું થવાના કારણે ત્રણ કલાકથી વધુ સમય સુધી વિમાનમાં બેસવાની ફરજ પડી હોવાનો વિગતવાર અહેવાલ X પર શેર કર્યો છે. આ પોસ્ટ ઝડપથી વાયરલ થતા ઈન્ડિગોની “બેદરકારી, જાણકારીનો અને શિષ્ટાચારના અભાવ” માટે ટીકા કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ ફ્લાઇટ 6E 6133 આજે સવારે 7:25 વાગ્યે ઉપડવાની હતી અને બોર્ડિંગ સમયસર સવારે 6:45 વાગ્યે શરૂ થયું. જોકે, શરૂઆતમાં મુસાફરો માનતા હતા કે ફ્લાઇટ સમયસર ઉપડશે. જોકે, તેવું થયું નહીં. સવારે 7:૦૦ વાગ્યે ઇન્ડિગોએ “ઓપરેશનલ સમસ્યાઓ”નો ઉલ્લેખ કરીને ફ્લાઇટનું સમયપત્રક ફરીથી સવારે 7:55 વાગ્યે મોકલ્યું હતું ત્યાર પછી બીજી અપડેટમાં પ્રસ્થાન સમય સવારે 8:40 વાગ્યે કરવામાં આવ્યો. એક કલાક અને વીસ મિનિટથી વધુ સમય સુધી બેઠા બાદ મુસાફરોને કહેવામાં આવ્યું કે વિલંબ કેપ્ટન પોતે મોડા પડ્યા હોવાથી થયો હતો.

આ પણ વાંચો : ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકી, એરપોર્ટ ઓથોરિટીને આવ્યો મેઈલ…

સવારે 9:15 વાગ્યા સુધીમાં બીજો સંદેશ આવ્યો, ફ્લાઇટ હવે 10:30 વાગ્યે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. પ્રવાસીઓએ રોષ વ્યક્ત કરતા લખ્યું હતું કે પ્રવાસીને 3 કલાકથી વધુ સમય માટે ફ્લાઇટની અંદર બેસવું પડ્યું હતું, કારણ કે કેપ્ટન મોડા પડ્યા છે?! કોઈ સ્પષ્ટતા નહીં, કોઈ સૌજન્ય નહીં, કોઈ જવાબદારી નહીં-આ નિરાશાજનક છે.” પોસ્ટમાં ઇન્ડિગોના સત્તાવાર હેન્ડલને ટેગ કરવામાં આવ્યું હતું, જેમાં એરલાઇનની વિશ્વસનીયતા પર સવાલો વરસાવ્યા હતા.

ઇન્ડિગોએ X પર તરત જ જવાબ આપ્યો, “સર, આ ચોક્કસપણે એવો અનુભવ નથી, જે અમે તમને આપવા માંગીએ છીએ. અમે તપાસ કરી રહ્યા છીએ અને વહેલી તકે અપડેટ આપીશું. જોકે, મુસાફરને ખાતરી થઈ નહીં. એક ફોલો-અપ પોસ્ટમાં, તેણે ઊંડી નિરાશા વ્યક્ત કરી, અને કહ્યું કે રાજકોટમાં તેના આખા દિવસનું શેડ્યૂલ બરબાદ થઈ ગયું છે. તેણે લખ્યું કે,”મારી મહત્વપૂર્ણ મીટિંગ્સ હતી અને તે જ સાંજે પરત ફરવાની ફ્લાઇટ હતી. સમય, વ્યવસાય અને પૈસાના નુકસાનની ભરપાઈ કોણ કરશે?” તેણે ઉમેર્યું કે જયારે એરલાઇન મેનેજમેન્ટને કારણે મુસાફરોને આખો દિવસ ગુમાવવો પડે છે ત્યારે ફક્ત “અમે તપાસ કરીશું” કહેવાથી ન ચાલે.

આ પણ વાંચો : મુંબઈ થી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ઇન્ડિગોએ બાદમાં વિગતવાર જવાબ જારી કરીને આ બદલ માફી માંગી હતી. એરલાઇને જણાવ્યું હતું કે વિલંબ “અણધાર્યા ઓપરેશનલ પરિસ્થિતિ”ને કારણે થયો હતો અને તમામ મુસાફરોને નાસ્તો અને સહાય આપવામાં આવી હતી. “જેમણે રિફંડ લીધું છે તેના માટે અમારા તરફથી પહેલાથી જ પ્રક્રિયા કરવામાં આવી છે અને 24-48 કાર્યકારી કલાકોમાં તેમના ખાતામાં રિફંડ આવી જશે, નિવેદનમાં કહેવામાં આવ્યું છે. ઇન્ડિગોએ મુસાફરની ધીરજ બદલ આભાર પણ વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં આવું નહીં થાય તેની ખાતરી આપી હતી.

મુસાફરે પાછળથી પુષ્ટિ કરી કે ઇન્ડિગોએ તેના રિફંડની પ્રક્રિયા શરૂ કરી લીધી છે, પરંતુ તેમણે કહ્યું કે અનુભવ થકવી નાખનાર અને નિરાશાજનક રહ્યો હતો. પ્રવાસીએ પોતાની છેલ્લી પોસ્ટમાં કહ્યું હતું કે આશા છે કે ઇન્ડિગો આવી ઘટનાઓની ગંભીરતાથી સમીક્ષા કરશે, જેથી મુસાફરોને ફરીથી આ પ્રકારના અનુભવમાંથી પસાર ન થવું પડે.
એરલાઇનની જવાબદારી મુસાફરોના અધિકારો અને સંદેશાવ્યવહારમાં પારદર્શિતાની જરૂરિયાત અંગે ચર્ચાઓ ફરી શરૂ થઈ છે. X પર ઘણા યુઝરોએ મુસાફરને ટેકો આપ્યો અને પોતાને પણ લાંબી રાહ જોવા અને “ઓપરેશનલ સમસ્યા” સાથે સમાન અનુભવ થયો હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો : કેરળથી અબુધાબી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, અધવચ્ચેથી પરત બોલાવી

બજારના હિસ્સાની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ આ ચોક્કસ ઘટનાને સંબોધિત કરતું કોઈ ઔપચારિક જાહેર નિવેદન બહાર પાડ્યું નથી, પરંતુ આ ઘટના યાદ અપાવે છે કે સમયપાલન અને મજબૂત સંદેશાવ્યવહારની પ્રક્રિયા એ ઉડ્ડયનમાં સલામતી અને સેવા જેટલા જ મહત્વપૂર્ણ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button