ઇન્ડિગોની કામગીરી ખોરવાઈ: બુધવારે 200 ફ્લાઈટ્સ રદ, આજે પણ થઈ શકે છે સમસ્યા…

મુંબઈ: ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો ઓપરેશન સંબંધિત સમસ્યાઓમાંથી પસાર થઇ રહી છે. અહેવાલ મુજબ ગઈ કાલે બુધવારે ઇન્ડિગોએ 200 જેટલી ફ્લાઈટ્સ રદ કરી હતી. ફ્લાઈટ્સ રદ થવાને કારણે ભારતના મુખ્ય એરપોર્ટસ પર હજારો મુસાફરો અટવાયા હતાં. મુસાફરો એરલાઈન સામે રોષ ઠાલવી રહ્યા છે.
ફ્લાઈટ ઓપરેશનમાં ગંભીર વિક્ષેપને કારણે થયેલી સમસ્યાઓ માટે ઇન્ડિગો એરલાઈને મુસાફરોની માફી માંગી છે. ઇન્ડિગો એરલાઈને એવું પણ જણાવ્યું કે શુક્રવારે પણ ઘણી ફ્લાઈટ્સ રદ થઇ શકે છે. ઇન્ડિગો એરલાઈને આગામી 48 કલાકમાં ફ્લાઈટ ઓપરેશન સામાન્ય કરવા માટે કામગીરી શરૂ કરી છે.
ઇન્ડિગો એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું, “અમે સ્વીકારીએ છીએ કે છેલ્લા બે દિવસથી સમગ્ર નેટવર્કમાં ઇન્ડિગોનું ઓપરેશન ખોરવાઈ ગયું છે, અને અમે અમારા ગ્રાહકોને થયેલી અસુવિધા માટે દિલથી માફી માંગીએ છીએ.”
આ કારણો જવાબદાર:
ઇન્ડિગોએ જણાવ્યું કે આ સમસ્યાઓ પછાળ ટેકનિકલ ખામીઓ, પ્રતિકૂળ હવામાન, વધેલી ભીડ અને નવેમ્બરમાં અમલમાં આવેલા અપડેટેડ ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન્સ (FDTL) નો અમલ સહિતના કેટલાક પરિબળો જવાબદાર છે.
નોંધનીય છે 29-30 નવેમ્બરે એરબસ A320 નો ઇમરજન્સી સોફ્ટવેર પેચને કારણે ક્રૂ શેડ્યૂલિંગમાં સમસ્યા ઉભી થઇ હતી. નવા FDTL નિયમોને કારણે એરલાઇન પહેલેથી દબાણ હેઠળ હતી.
નવેમ્બર મહિનામાં આટલી ફ્લાઈટ્સ રદ:
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ના આંકડા મુજબ ઇન્ડિગો એરલાઇન પહેલેથી જ તણાવ હેઠળ છે. માત્ર નવેમ્બર 2025માં જ ઇન્ડિગોની 1,232 ફ્લાઇટ્સ રદ થઇ હતી – જેમાંથી 755 ફ્લાઇટ્સ FDTL સમસ્યાઓને કારણે હતી. ઓક્ટોબરમાં ઓન ટાઈમ ઓપરેશન રેટ 84.1% હતો જે ઘટીને 67.70% થઈ ગયો હતો.
આ પણ વાંચો…ઇન્ડિગો એરલાઈન્સમાં ગંભીર ઓપરેશનલ કટોકટી, એક મહિનામાં 1,232 ફ્લાઇટ્સ રદ કરવી પડી…



