ભારતીય દાનવીરો વર્ષે આટલું કરે છે દાન: આખા દેશમાં મુંબઇ અવ્વલ
મુંબઇ: પરોપકાર કરવામાં ભારતના ઉદ્યોગપતીઓ ક્યારેય પાછા પડતાં નથી. ભારતીય દાનવીરોની વાત કરીએ તો વર્ષ 2022-23માં દેશના 199 લોકોએ 8,445 કરોડનું દાન કર્યું છે. જે પાછલાં વર્ષની સરખામણીમાં 59 ટકા વધુ છે. ઉલ્લેખનીય છે કે આખા દેશના દાનવીરોમાં આ વર્ષે મુંબઇના ઉદ્યોગપતી અવ્વલ નંબરે છે.
દેશના ઉદ્યોગજગતમાં પરોપકાર કરનારાઓમાં આ વખતે એચસીએલ ટેક સંસ્થાના સંસ્થાપક શિવ નાડર સૌથી આગળ રહ્યાં છે. શિવ નાડરે 2,042 કરોડ રુપિયાનું વાર્ષિક દાન કરી સૌથી વધુ દાન કરનારાઓમાં પહેલું સ્થાન મેળવ્યું છે. તેમણે સરેરાશ રોજના 5.6 કરોડ રુપિયાનું દાન કર્યુ છે. આખા દેશમાં 199 લોકોએ એક વર્ષમાં 8,445 કરોડ રુપિયાનું દાન કર્યું છે. જે આર્થિક વર્ષ 2022માં 108 લોકો દ્વારા કરવામાં આવેલ દાન કરતાં 59 ટકા વધુ છે. આ અંગે એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ગુરુવારે આ સર્વેના પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
દેશના સૌથી વધુ દાન કરનારા લોકોમાં મુંબઇ સૌથી આગળ છે. દાન કરનારાઓમાં 39 લોકો મુંબઇના છે. ત્યાર બાદ નવી દિલ્હી 19 લોકો, બેંગલુરુ 13 લોકો સાથે બીજા અને ત્રીજા ક્રમાંકે છે. કુમાર મંગલમ બિરલા, ગૌતમ અદાણી, બજાજ પરિવાર, અનિલ અગ્રવાલ, નંદન નિલેકણી અને સાયરસ અને અદાર પૂનાવાલાનું સૌથી વધુ દાન કરનારી વ્યક્તીઓમાં પ્રથમ દસમાં નામ સામેલ થયું છે.
પરોપકાર અને દાનધર્મમાં કાયમ આગળ પડતાં રહેનાર વિપ્રોના અઝીમ પ્રેમજી આ યાદીમાં બીજા ક્રમાંકે છે. તેમણે 1,774 કરોડ રુપિયાનું વાર્ષિક દાન કર્યું છે. દેશના સૌથી શ્રીમંત ઉદ્યોગપતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મુકેશ અંબાણીએ 376 કરોડ રુપિયાનું દાન કર્યું છે. આ યાદીમાં ઝીરોધાના નિખિલ કામથ સૌથી યુવા દાનવીર રહ્યાં છે. યાદીમાં 12મું સ્થાન પ્રાપ્ત કરનાર કામથ બ્રધર્સે એક વર્ષમાં 110 કરોડ રુપિયાનું દાન કર્યું છે.
રોહીણી નીલેકણીએ એક વર્ષમાં 170 કરોડ રુપિયાનું દાન કર્યું છે. તેઓ આ યાદીમાં દસમાં સ્થાને છે. સાથે જ અનુ આગા 40માં સ્થાને અને લીના ગાંધી 41માં સ્થાને છે. આ બંનેએ 23-23 કરોડ રુપિયાનું દાન કર્યું છે. આ યાદીમાં કુલ સાત મહિલા સમાજસેવિકાઓનું નામ સામેલ છે.
આ વખતે ભારતમાં કુલ 14 વ્યક્તિ એવી છે જેમણે 100 કરોડ રુપિયાથી વધુ દાન કર્યું છે. 24 લોકોએ 50 કરોડ રુપિયાથી વધુ અને 47 લોકોએ 20 કરોડ રુપિયાથી વધુ દાન કર્યું છે.
આ દાનની વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્ર માટે 62 લોકોએ કુલ 1,547 કરોડ રુપિયાનું યોગદાન આપ્યું છે. ત્યાર બાદ કલા ક્ષેત્રે 1,345 કરોડ રુપિયા અને આરોગ્ય સેવાઓ માટે 633 કરોડ રુપિયા મળ્યા છે. આર્થિક વર્ષ 2020માં દાનવીરોએ કુલ 11,984 કરોડ રુપિયાનું દાન કર્યુ હતું. જ્યારે 2021માં 14,755 કરોડ રુપિયાનું દાન થયું હતું. પાછલાં વર્ષે માત્ર 8,445 કરોડ રુપિયા પર આ રકમ થોભી ગઇ હતી.