આમચી મુંબઈ

એરપોર્ટ પર ભારતીય મુસાફરો વ્હીલચેર સર્વિસનો દુરુપયોગ કરી રહ્યા છે! વાયરલ વીડિયો અંગે ચર્ચા

મુંબઈ: સોશિયલ મીડિયા પર એક વિડીયો અંગે ખુબ ચર્ચા થઇ રહી છે, આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક એરપોર્ટના ડિપાર્ચર લોન્જમાં સંખ્યાબંધ ભારતીય મુસાફરો વ્હીલ ચેર બેઠેલા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય મુસાફરો એર લાઈન્સ દ્વારા આપવામાં આવતી વ્હીલચેર સર્વિસનો દુરુપયોગ કરી રહ્યા છે, જરૂર ના હોવા છતાં મુસાફરો વ્હીલચેર માટે અરજી કરે છે, જેથી તેમને જેઓ બોર્ડિંગમાં પ્રાથમિકતા મળી શકે.

X પર એક યુઝરે શેર કરેલા વિડીયોમાં વ્હીલચેરમાં બેઠેલા ભારતીય મુસાફરોની લાંબી લાઇન જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ફ્લાઈટમાં બોર્ડિંગ માટે પ્રાથમિકતા મેળવવા અને એરપોર્ટ પર એન્ડ-ટુ-એન્ડ સપોર્ટ મેળવવા ભારતીય મુસાફરો વ્હીલચેર સર્વિસનો દુરુપયોગ કરી રહ્યા છે.

યુઝરે કેપ્શનમાં લખ્યું, “યુએસ-ભારત રૂટની ફ્લાઈટ માટે ડિપાર્ચર લાઉન્જ વ્હીલચેરમાં બેઠેલા ભારતીયોથી ભરેલો છે. કારણ કે સામાન્ય મુસાફરો પણ અપંગ મુસાફરો મળતી બોર્ડિંગ પ્રાથમિકતા અને ફુલ- સર્વિસ ટ્રાન્સપોર્ટેશાનનો લાભ ઉઠાવવા ઈચ્છે છે, કેટલાક રૂટ પર અપંગ મુસાફરોનું પ્રમાણ 80% જેટલું ઊંચું નોંધાયુ છે.”

અન્ય એક X યુઝરે આ વિડીયો ક્લિપ શેર કરી, તેણે લખ્યું કે એર ઇન્ડિયાની ભારત-યુએસ ફ્લાઇટમાં લગભગ 30% મુસાફરો વ્હીલચેર સર્વિસ માટે રીક્વેસ્ટ કરે છે. યુઝરે લખ્યું કે મોટાભાગના સક્ષમ પ્રવાસીઓ પ્રાયોરિટી બોર્ડિંગ સિસ્ટમનો લાભ લઈ રહ્યા છે, જ્યારેખરેખર અપંગ મુસાફરોને હેરાન થઇ રહ્યા છે.

દર મહીને એક લાખથી વધુ અરજીઓ:
એક અહેવાલમાં આપવામાં આવેલી માહિતી મુજબ એર ઇન્ડિયાને દર મહિને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ રૂટ પર એક લાખથી વધુ વ્હીલચેર બુકિંગ મળે છે. ઉત્તર અમેરિકા અને યુકેની લાંબા રૂટની ફ્લાઇટ્સમાં આ સર્વિસના દુરપયોગનું પ્રમાણ વધુ છે.

અહેવાલમાં આપવામાં આવેલી માહિતી મુજબ 20 માર્ચ, 2025ના રોજ, એર ઇન્ડિયાની દિલ્હી-નેવાર્ક ફ્લાઇટમાં વ્હીલચેર માટે 89 અરજીઓ મળી હતી. 4 ફેબ્રુઆરીની દિલ્હી-શિકાગો ફ્લાઇટમાં વ્હીલચેર માટે 97 અરજીઓ મળી હતી, અને આજ રૂટ પર 19 ફેબ્રુઆરીના રોજ 99 અરજીઓ મળી હતી.

27 ફેબ્રુઆરીના રોજ મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયાની તેમામ ફ્લાઇટ્સ માટે વ્હીલચેરની 750 અરજીઓ મળી હતી, જેમાં એક જ ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે 120 જેટલી અરજીઓ મળી હતી.

મુસાફરો કેમ કરી રહ્યા છે નાટક:
અહેવાલ મુજબ એર ઇન્ડિયા મફત વ્હીલચેર સર્વિસ આપે છે, જેથી જરૂરીયાતમંદ મુસાફરો સરળતા રહે. વ્હીલચેર પર બેઠલા દર્દીઓને કતારમાં રહેવું નથી પડતું, સિક્યોરિટી કલીયરન્સ ઝડપથી મળે છે અને બોર્ડિંગ વહેલું મળે છે. ચાલીફરી શકતા સક્ષમ દર્દીઓ આ સર્વિસનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે.

એરપોર્ટ સ્ટાફના જણાવ્યા મુજબ વ્હીલચેરની અરજી કરતા લગભગ 50 ટકા મુસાફરો સિક્યોરિટી કલીયરન્સ બાદ કોઈને મદદ વગર ચાલતા જોવા મળે છે.

DGCA તપાસ કરશે:
અહેવાલ મુજબ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ આ સ્થિતિની નોંધ લીધી છે અને વ્હીલચેરના ઉપયોગ અંગે ગાઈડલાઈન્સ જાહેર કરી શકે છે. અધિકારીઓ ચિંતા વ્યક્ત કરી છે કે વધુ પડતી વ્હીલચેરને કારણે સલામતી અંગે પણ ચિંતાઓ ઉભી કરે છે, કારણ કે ઈમરજન્સી સમયે કેબીન ક્રૂ તમામ મુસાફરોને મદદ ન કરી શકે.

અ વિડીયો અંગે પ્રતિક્રિયા આપતા બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર-શોએ X પર પોસ્ટ કરી લખ્યું કે એરપોર્ટ પર વ્હીલ ચેર માટે વધારાનો ₹5000નો ચાર્જ કરવા જોઈએ, પછી ખબર પડશે કે કેટલા ખરેખર અપંગ મુસાફરો છે.

આપણ વાંચો:  ગેસ પાઈપલાઈનને નુકસાન બાદ સીએનજી સપ્લાયને ફટકો પડતા ઓટો, ટેકસી અને બસને અસર…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button