Indian Muslims Condemn Attacks on Hindus in Bangladesh
આમચી મુંબઈનેશનલમહારાષ્ટ્ર

‘બાંગ્લાદેશ વિરુદ્ધ રસ્તા પર ઉતરવા તૈયાર છે’, મુસ્લિમોએ હિંદુઓ પર હુમલા સામે અવાજ ઉઠાવ્યો…

મુંબઈ: છેલ્લા ઘણા મહિનાઓથી બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમુદાય પર થઇ રહેલા હુમલાઓ ચર્ચાના કેન્દ્રમાં છે. ઈસ્લામિક ઉગ્રવાદીઓ સતત મંદિરો પર સતત હુમલા કરી રહ્યા છે. આ મામલે ભારતમાં વસતા હિંદુમાં રોષની લાગણી છે, ભારત સરકારે પણ અનેક વાર વાંધો ઉઠાવ્યો છે. એવામાં ભારતના મુસ્લિમ ઉલેમાઓએ પણ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાને વખોડી કાઢ્યા છે અને હુમલા અંગે રોષ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં હિંદુઓ પર હિંસા વચ્ચે મોહમ્મદ યુનુસની સૌહાર્દની સુફિયાણી વાતો; કહ્યું સત્ય કઈક અલગ

મુંબઈમાં મુસ્લિમ આગેવાનોની બેઠક:

ઓલ ઈન્ડિયા સુન્ની જમીયત ઉલમા, રઝા એકેડેમી અને જમિયત ઉલેમા-એ-અહલે સુન્નતએ સંયુક્ત રીતે મુંબઈની હાંડીવાલી મસ્જિદમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાના મુદ્દે ઉલેમાઓની ઈમરજન્સી બેઠક બોલાવી હતી, જેમાં સ્થાનિક ઉલેમાઓ અને શેખોએ ભાગ લીધો હતો.

ઇસ્લામિક ઉપદેશોનું ઉલંઘન:

બેઠકની અધ્યક્ષતા કરતા રઝા એકેડમીના સ્થાપક અને વડા હાજી મુહમ્મદ સઈદ નૂરીએ કહ્યું, ‘કોઈ પણ દેશમાં અત્યાચાર માત્ર દુઃખદ નથી પરંતુ નિંદનીય છે. હવે જ્યારે બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા થઈ રહ્યા છે, જે મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે, આ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. આ માત્ર ઇસ્લામિક ઉપદેશોની વિરુદ્ધ નથી પરંતુ માનવ અધિકારોનું પણ ઉલ્લંઘન છે.’

તેમણે કહ્યું કે, ‘બાંગ્લાદેશ સરકારે તેના દેશમાં હિંદુ સમુદાય પર થતા હુમલાઓ તાત્કાલિક બંધ કરવા જોઈએ અને તેમના મંદિરોની સુરક્ષા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવી જોઈએ. જો આમ નહીં થાય તો ભારતના ઉલેમા-એ-સુન્નાહ બાંગ્લાદેશ વિરુદ્ધ રસ્તા પર ઉતરવા તૈયાર છે.’

રઝા એકેડમીના સ્થાપકે વધુમાં કહ્યું કે, ‘શેખ હસીનાના શાસન દરમિયાન ફાટી નીકળેલી અશાંતિ દરમિયાન બંગાળી મુસ્લિમ યુવાનો મંદિરોની સુરક્ષા કરતા જોવા મળ્યા હતા. હવે શું થયું કે ત્યાં લઘુમતીઓ પર હુમલા થઈ રહ્યા છે?’

બાંગ્લાદેશ સરકારને અપીલ:

તેમણે વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુસુફને અપીલ કરી કે તેઓ ઉગ્રવાદીઓ પર ચાંપતી નજર રાખે અને લઘુમતીઓની સુરક્ષા માટે વિશેષ પગલાં લે. હાજી નૂરીએ ચેતવણી આપી હતી કે જો બાંગ્લાદેશ સરકાર આ અંગે પગલાં નહીં લે તો રઝા એકેડમી અને અન્ય સંસ્થાઓની મદદથી ભારતભરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

બાંગ્લાદેશની છબી ખરડાશે:

મીટિંગમાં હાજર રહેલા શેહ્ઝાદા શેર મિલ્લત મૌલાના ઇઝાઝ અહેમદ કાશ્મીરીએ કહ્યું, ‘જો બાંગ્લાદેશમાં ઉભી થયેલી પરિસ્થિતિને જલ્દી રોકવામાં નહીં આવે તો તેનાથી સમગ્ર વિશ્વમાં બાંગ્લાદેશની છબી પર અસર થશે અને દેશ ઘણી સમસ્યાઓમાં ફસાઈ જશે. મુહમ્મદ યુનુસે હિન્દુઓ પર થતા હુમલાઓ તાત્કાલિક રોકવ કરવા જોઈએ અને હુમલામાં સામેલ સંગઠનો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી લઘુમતી સમુદાય સુરક્ષિત અનુભવ કરી શકે. અમે દરેક પરિસ્થિતિમાં બાંગ્લાદેશી લઘુમતીઓ સાથે ઉભા છીએ. જો હુમલા બંધ નહીં થાય તો અમે દિલ્હીમાં બાંગ્લાદેશી દૂતાવાસને ઘેરી લઈશું.’

મૌલાના ખલીલુર રહેમાન નૂરીએ કહ્યું, ‘અત્યાચાર કોઈપણ સ્વરૂપમાં અસ્વીકાર્ય છે, પછી ભલે તે આપણા દેશ, બાંગ્લાદેશ કે પેલેસ્ટાઈનમાં હોય. અમે હંમેશા જુલમ સામે અને પીડિતો સાથે ઉભા રહીશું. આ ઇસ્લામનો એક મજબૂત સંદેશ છે, જેને અનુસરીને આપણે પીડિતોને મદદ કરી શકીએ છીએ.”

આ પણ વાંચો : પ્રાસંગિક: કેમ વધી રહ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસક હુમલા ?

મૌલાના અમાનુલ્લા રઝાએ હિંદુઓ પર હુમલાની ઘટનાઓની તપાસ કરવા માટે ભારત સરકારને અપીલ કરી હતી, જેથી કરીને આપણા દેશના કટ્ટરવાદી તત્વો પરિસ્થિતિનો ફાયદો ન ઉઠાવી શકે. તેમણે કહ્યું, ‘ભારતના તમામ મુસ્લિમો બાંગ્લાદેશી લઘુમતીઓ સાથે ઊભા છે અને ઊભા રહેશે.’

Back to top button