ભારત-બ્રિટન એફટીએથી બંને પક્ષને ફાયદો થશે: બ્રિટિશ રાજદુત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભારત અને યુકે (બ્રિટન) વચ્ચેના એફટીએ (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ)ને કારણે બંને દેશો વચ્ચેનો વ્યાપાર સરળ થશે અને બજારના અવરોધો દૂર થતાં બંને પક્ષ માટે લાભદાયક પુરવાર થશે.
ભારતીય બજારોમાં આવવા માટે અનેક કંપનીઓ ઉત્સાહિત છે અને તેમના ભારતમાં વ્યાપારનો લાભ ભારતીય ઉદ્યોગો-લઘુઉદ્યોગોને પણ થશે, એમ બ્રિટનના રાજદુત ડેનિયલ સુલેમાને ગુરુવારે જણાવ્યું હતું.
આપણ વાચો: ઇએફટીએ સાથેના વેપાર કરારથી ૫ચાસ અબજ ડોલરના રોકાણની અપેક્ષા
બાંદ્રાના બીકેસીમાં મુંબઈ સમાચાર સાથેની વ્યક્તિગત મુલાકાતમાં ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડના ક્લસ્ટર ડિરેક્ટર ટ્રેડ એન્ડ એક્સપોર્ટ ડેનિયલ સુલેમાને કહ્યું હતું કે સરકારી સ્તરે બ્રિટન અને ભારત વચ્ચે ઘણો સારો સહકાર જોવા મળે છે અને આનુ પ્રતિબિંબ વ્યવસાય અને ઉદ્યોગો પર પડે અને ગાઢ ભાગીદારી વિકસિત થાય એવું અમારું લક્ષ્યાંક છે.
બ્રિટન ક્યા પ્રાથમિક ટેરિફ અથવા બજાર અવરોધોને દૂર કરવા માગે છે? એવા સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે અત્યારે એફટીએ માટે કેટલાક મુદ્દે વાટાઘાટો પ્રગતિ પર છે, અત્યાર સુધી જેના પર સંમત થયા છીએ તે મહત્ત્વપુર્ણ છે, પરંતુ તેની વિગતો આગામી થોડા દિવસમાં જાહેર કરવામાં આવશે, પરંતુ અમે મોટા ઔદ્યોગિક ક્ષેત્રોમાં નોંધપાત્ર ટેરિફ ઘટાડો જોઈ રહ્યા છીએ, સ્કોચ વ્હિસ્કીથી લઈને કોસ્મેટિક ઉત્પાદનો સુધી બધું.
આપણ વાચો: આ વર્ષે ભારતની નિકાસ 6 ટકા વધવાની શક્યતા: પીયૂષ ગોયલ
અત્યારે અહીં ભારતીય બજારમાં આવવા માગતી અનેક કંપનીઓ પ્રદર્શનમાં હાજર છે. કોસ્મેટિક્સ, લક્ઝરી ગુડ્સ, બ્યુટી, ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રો મુખ્ય છે.
એફટીએમાં ભારતીય ઉદ્યોગોેને માટે શું છે? એવા સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે સહ-ઉત્પાદન અને સહ-ડિઝાઈનને કારણે પરસ્પર સહયોગ થશે. અમે અહીં બ્રિટનનો વ્યવસાય વધારવા માગીએ છીએ પરંતુ તેની સાથે ભાગીદારી પણ આવે છે. ઘટકોનું સોર્સિંગ, શ્રેષ્ઠ, શુદ્ધ સ્વરૂપની વસ્તુઓ શોધવી વગેરેને કારણે સ્થાનિક ઉદ્યોગોને પણ વિકસવાની તકો મળશે.



