ભારતના કડક પગલાં બાદ કંગાળ પાકિસ્તાન વધુ ધોવાશે…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ : ભારતે કંગાળ પાકિસ્તાનની તમામ આયાત બંધ કરવાનો નિર્ણય લીધો હોવાથી તેની માલી હાલત વધુ કથળશે. પાકિસ્તાન પાસેનો શસ્ત્રસંરજામ પણ જો યુદ્ધ થાય તો માત્ર ૯૬ કલાક ચાલી શકે એટલો જ બચ્યો હોવાનું જાણવા મળે છે. કુલ ૧૯૪ દેશોની યાદીમાં ફોરેકસ રિઝર્વની દ્રષ્ટિએ ભારત ચોથા સ્થાને છે જ્યારે પાકિસ્તાનનું સ્થાન ૬૮મું હોવાનું ડેટામાં જણાવાયું છે.
ભારત પાસે રહેલા ફોરેકસ રિઝર્વ (વિદેશી હૂંડિયામણની અનામત)ની સરખામણીએ પાકિસ્તાનના ફોરેકસ રિઝર્વનો આંક બે ટકાથી સહેજ વધુ હોવાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે. પાકિસ્તાન સાથેના વેપાર સંબંધો ભારતે હવે કાપી નાખ્યા હોવાથી ફોરેકસ રિઝર્વના દ્રષ્ટિકોણથી પાકિસ્તાનની સ્થિતિ વધુ વણસી જવાની શકયતા જોવાઈ રહી છે.
વર્તમાન વર્ષના એપ્રિલના અંત સુધીમાં ભારતના ફોરેકસ રિઝર્વનો આંક ૬૮૮ અબજ ડોલર રહ્યો છે જ્યારે પાકિસ્તાન પાસે વર્તમાન વર્ષના માર્ચના અંતે ૧૫.૫૭ અબજ ડોલર જેટલુ ફોરેકસ રિઝર્વ જોવા મળ્યું હતું. ૧૯૯૧માં ભારતે અપનાવેલી ઉદારીકરણ નીતિ બાદ તેના ફોરેકસ રિઝર્વમાં વધારો જોવા મળી રહ્યો છે.
વર્ષ ૧૯૯૧માં ભારત પાસે માત્ર બે અબજ ડોલરનું રિઝર્વ હતું જેને કારણે બેલેન્સ ઓફ પેમેન્ટની કટોકટી ઊભી થઈ હતી. ઉદારીકરણ નીતિ ઉપરાંત ભારતની વિવિધ સરકારો દ્વારા હાથ ધરાયેલા આર્થિક સુધારા પણ રિઝર્વમાં વધારા માટે કારણભૂત રહ્યા છે.
બંને દેશોના ચલણની વાત કરીએ તો ભારતના રૂપિયા સામે ડોલરનો ભાવ રૂપિયા ૮૪.૬૦ છે જ્યારે પાકિસ્તાને એક ડોલર ખરીદવા માટે પાકિસ્તાનના રૂપિયા ૨૮૧ ચૂકવવા પડે છે. આમ ડોલર સામે ભારતનું ચલણ પાકિસ્તાનની સરખામણીએ મજબૂત જોવા મળી રહ્યું છે.