આરબીઆઈએ ઓગસ્ટ માસમાં 7.7 અરબ અમેરિકન ડોલરનું વેચાણ કર્યું, જાણો કારણ ..

મુંબઈ : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરની અસર અર્થતંત્ર પર પણ પડી રહી છે. જેની વધુ અસરને ખાળવા માટે આરબીઆઈ દ્વારા સમયાંતરે અનેક પગલા લેવામાં આવે છે. આ અંતર્ગત ભારતીય રૂપિયાના આંતર રાષ્ટ્રીય બજારમાં રૂપિયાના મુલ્યને સ્થિર રાખવા માટે આરબીઆઈએ ઓગસ્ટ માસમાં 7.7 અરબ અમેરિકન ડોલરનું વેચાણ કર્યું હતું.
અમેરિકન ડોલરની કોઈ ખરીદી નથી કરી
આરબીઆઈના બુલેટિન મુજબ ઓગસ્ટ માસમાં રિઝર્વ બેંકે 7.69 અરબ અમેરિકી ડોલરનું વેચાણ કર્યું છે. જે ગત માસની સરખામણીએ ત્રણ ગણું વધારે છે. આ આંકડા અનુસાર આરબીઆઈએ જુલાઈ અને ઓગસ્ટ માસમાં અમેરિકન ડોલરની કોઈ ખરીદી નથી કરી.
ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો હતો
આરબીઆઈ સામાન્ય રીતે વિદેશી વિનિમય બજારમાં હસ્તક્ષેપ નથી કરતું. પરંતુ જયારે રૂપિયા ડોલર એક્સચેન્જમાં મોટો તફાવત જોવા મળે ત્યારે એક્શન લે છે. જેમાં ઓગસ્ટ માસમાં ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો હતો. તેમજ ત્યાર બાદ સપ્ટેમ્બર માસમાં ટ્રેડ વોર અને ફોરેન ઇન્વેસ્ટરોની વેચવાલી સહિતના પરિબળોના લીધે આરબીઆઈએ
ડોલરનું વેચાણ કર્યું હતું.