ભારતે આવશ્યકપણે વ્યાપક અને વૈવિધ્યસભર ઊર્જા સંબંધો વિકસાવવા જોઈએ: એસ. જયશંકર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે, ભારતે આવશ્યકપણે વ્યાપક અને વૈવિધ્યસભર ઊર્જા સંબંધો વિકસાવવા જોઈએ, એમ વિદેશ પ્રધાન એસ. જયશંકરે શનિવારે મુંબઈમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.
જયશંકરે એમ પણ કહ્યું કે દાયકાઓથી વૈશ્ર્વિકરણના ગુણો સાંભળ્યા પછી, આજે વિશ્વ ઔદ્યોગિક નીતિઓ, નિકાસ નિયંત્રણો અને ટેરિફ યુદ્ધોની વાસ્તવિકતા સાથે ઝઝૂમી રહ્યું છે. તેમણે કહ્યું કે આગામી દાયકાઓ માટે અનુકૂળ ઊર્જા વાતાવરણ સુનિશ્ર્ચિત કરવું એ ભારતના મુખ્ય રાજદ્વારી ઉદ્દેશોમાંનો એક છે.
આપણ વાંચો: PoKને લઈ પૂછેલા સવાલનો જવાબ એસ. જયશંકરે કંઈક એવી રીતે આપ્યો કે પત્રકારની બોલતી બંધ થઈ ગઈ…
અશ્મિભૂત ઇંધણ ઉપરાંત, મોટા પાયે તેનો આધાર નવીનીકરણ ઊર્જાના વિકાસ અને જમાવટ તેમજ નાના મોડ્યુલર રિએક્ટરની સંભાવના શોધવા સુધી વિસ્તરે છે, એમ તેમણે કહ્યું હતું. વિશ્ર્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાએ આવશ્યકપણે વ્યાપક અને વૈવિધ્યસભર ઊર્જા સંબંધો વિકસાવવા જોઈએ, એમ તેમણે મુંબઈના મીડિયા સમક્ષ કહ્યું હતું.
ભારતીય દૂતાવાસો હવે દેશના વ્યાપારી હિતોને સાધ્ય કરવામાં પહેલા કરતાં ઘણા વધુ સક્રિય છે. તેમણે જણાવ્યું હતું કે, આપણા વ્યવસાયો સારા ચાલે તે સુનિશ્ર્ચિત કરવા માટે શક્ય હોય ત્યાં તેઓ માહિતી, સલાહ અને સુવિધા ઉપલબ્ધ કરાવી આપે છે.
યુક્રેન સંઘર્ષ પછી ઊર્જા પસંદગીઓનો અમારો દાવો તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર આર્થિક અસરો ધરાવતો એક નીતિગત નિર્ણય હતો. સત્ય એ હતું કે દરેક રાષ્ટ્રે પોતાના સ્વાર્થમાં જે કર્યું તે કર્યું, ભલે કેટલાકે અન્યથા દાવો કર્યો હોય, એમ તેમણે કહ્યું હતું. દેખીતી રીતે જયશંકર યુક્રેન સંઘર્ષ દરમિયાન ભારત દ્વારા રશિયા પાસેથી તેલ આયાત કરવાનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેની પશ્ર્ચિમના એક વર્ગ દ્વારા ટીકા કરવામાં આવી હતી.
આપણ વાંચો: બાંગ્લાદેશને વિદેશ પ્રધાન એસ. જયશંકરે સ્પષ્ટ કહ્યું, નક્કી કરો સંબંધો કેવા ઈચ્છો છો?
જયશંકરે નોંધ્યું હતું કે ભારત જેવી મોટી અર્થવ્યવસ્થાને એકંદર વ્યૂહરચનાની જરૂર છે. ભારત એવા ગણતરીના દેશોમાં સ્થાન ધરાવે છે, જેઓ એકસાથે રશિયા, યુક્રેન, ઈઝરાયલ અને ઈરાન, પશ્ર્ચિમી લોકશાહી અને દાક્ષિણાત્ય વિશ્ર્વ, બ્રિક્સ અને ક્વૉડ સાથે વાટાઘાટો કરી શકે છે.
જયશંકરે કહ્યું હતું કે આજના વિશ્ર્વને ઔદ્યોગિક નીતિઓ, નિકાસ નિયંત્રણો, ટેરિફ વૉર જેવી વાસ્તવિકતાઓએ ઘેરી લીધી છે, જ્યારે દાયકાઓ સુધી વૈશ્ર્વિકરણના ફાયદા દેખાડવામાં આવી રહ્યા હતા. આવા પરિપ્રેશ્ર્યમાં મહત્ત્વનું છે કે આપણે ફાયદા અને ટ્રેન્ડને સમજીને તે અનુસાર નીતિઓ ઘડવામાં આવે, એમ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે આજે વૈશ્ર્વિક અર્થતંત્રને જોખમમુક્ત કરવા અંગે વ્યાપક ચિંતા છે. આનો ઉકેલ વધુ વૈવિધ્યસભર ઉત્પાદન, વધુ નવીનતા અને ટેકનોલોજી અને મજબૂત વેપારમાં રહેલો છે, જેમાં ખાદ્ય અને આરોગ્ય સુરક્ષા સાથે સીધા સંબંધિત વેપારનો સમાવેશ થાય છે.
‘આ બધાને એકસાથે મૂકીએ તો, પુન:વૈશ્ર્વિકીકરણનો અર્થ એ છે કે તે વધુ ન્યાયી, વધુ લોકશાહી અને તેના અગાઉના મોડેલ કરતાં ઓછું જોખમી છે,’ એમ તેમણે કહ્યું હતું.